ગુજરાત

gujarat

અમદાવાદમાં વિકાસના ખાડામાં પડેલા સ્થાનિકો સાથે ખાસ વાતચીત, ETV BHARAT નો ગ્રાઉન્ડ રિપોર્ટ - Potholes due to rain in Ahmedabad

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 5:06 PM IST

Updated : Sep 3, 2024, 10:48 PM IST

અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાવાથી ઠેર-ઠેર રોડ-રસ્તાઓ તૂટી ગયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ETV BHARAT એ સ્થાનિકો સાથે વાત કરી એમની સમસ્યાઓ જાણી હતી.

અમદાવાદમાં વિકાસના ખાડામાં પડેલા સ્થાનિકો સાથે ખાસ વાતચીત
અમદાવાદમાં વિકાસના ખાડામાં પડેલા સ્થાનિકો સાથે ખાસ વાતચીત (Etv Bharat gujarat)

અમદાવાદમાં વિકાસના ખાડામાં પડેલા સ્થાનિકો સાથે ખાસ વાતચીત (Etv Bharat gujarat)

અમદાવાદ: શહેરમાં ભારે વરસાદથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે. ત્યારે ભારે વરસાદથી લોકો તો હેરાન થયા છે. પણ અતિ ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાવાથી ઠેર-ઠેર રોડ-રસ્તાઓ તૂટી ગયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ETV BHARAT અમદાવાદ શહેરના ગોતા બ્રિજ પાસે અને નારણપુરા વિસ્તારમાં પહોંચ્યું હતું અને સ્થાનિકો સાથે તેમની સમસ્યાઓ વિશે વાત કરી હતી.

રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં: ગોતા બ્રિજ પાસે ETV BHARAT પહોંચ્યું ત્યારે રોડ-રસ્તાઓની બિસ્માર હાલત જોઈ ક્યાંકને ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ ઉપર પણ સવાલો ઊભા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમે થોડો સમય ત્યાં ઊભા રહ્યા ત્યાં તો 4-5 લોકો પોતાના વાહન સાથે ખાડામાં ખાબક્યા હતા. જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. આ વિકાસના ખાડામાં પડેલા લોકો સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

લોકોએ જણાવી પોતાની સમસ્યા: સરકાર તથા કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી અને વિકાસના કામો એ માત્ર ચોપડે નોંધાયેલા છે. વાસ્તવિકતા કાંઇક અલગ જ છે. પોતાના વાહન સાથે ખાડામાં પડેલા એક વયોવૃદ્ધ વ્યક્તિએ થોડા આકરા શબ્દોમાં તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું કે, હું આ તંત્રના લીધે આ ખાડામાં પડ્યો છું અને મને ઇજા પણ પહોંચી છે. આના માટે જવાબદાર માત્ર તંત્ર જ છે. ત્યારે નોકરી કરતા યુવાને જણાવ્યું કે, રોજ આ જ રસ્તેથી મારે નીકળવું પડે છે. મારી સામે રોજ કેટલા લોકો આ ખાડામાં પડે છે કેટલાકને ઇજાઓ પણ પહોંચે છે. ત્યારે મને રોજ એ જ ડર લાગે છે કે હું પણ આ ખાડામાં ન પડું.

ગટરના ઢાંકણા ખોલવા લોકો નથી આવતા: જ્યારે ETV BHARATએ નારણપુરા વિસ્તારના અલગ-અલગ સોસાયટીના લોકો સાથે વાત કરી ત્યારે તે સ્થાનિકોએ પોતાની સમસ્યા જણાવતા કહ્યું કે, દર વર્ષે ચોમાસામાં અમારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અમારા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઇ જાય છે અને તેથી વાહનવ્યવહાર પણ ઠપ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. અમે લોકો અમારા ઘરે પણ નથી જઈ શકતા. વરસાદી પાણી જ્યારે ભરાય છે ત્યારે ગટરના ઢાંકણા ખોલવા પણ તંત્રના લોકો પણ આવતા નથી. ચાલુ વરસાદમાં અમારે જાતે જ ગટરના ઢાંકણા ખોલવા માટે જવું પડે છે. કોઈ સ્થાનિક તંત્ર, કોર્પોરેટર કે પછી કોર્પોરેશન પણ કોઈ કામ કરતું નથી. મહાનગરપાલિકા જે પ્રકારનું કામ કરે છે. તેના કરતા ન કરે તો સારુ એવું જણાવીને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો.

અમદાવાદ મનપાના કામગીરીના પોકળ દાવા: રોજબરોજ અમદાવાદ મહાનગર પાલિકા પોતાના એક્સ હેન્ડલ પરથી વિવિધ પોસ્ટ અને ફોટોગ્રાફ્સ મૂકે છે. તંત્ર એવું દર્શાવવા માંગે છે કે તેઓ અમદાવાદને સ્વચ્છ શહેર બનાવ્યું છે, અમદાવાદમાં વરસાદ પછી રોગચાળો ના ફેલાઈ તે માટે કામગીરી કરીએ છીએ, જ્યાં રોડ રસ્તા તૂટ્યા છે તેનું સમારકામ કરીએ છીએ. પરંતુ જ્યારે અસલી વાસ્તવિકતા જોવામાં આવે તો સ્થાનિકો કંઈક અલગ જ બોલી રહ્યા છે અને દ્રશ્યો પણ કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે. ત્યારે હકીકતમાં તંત્ર શું યોગ્ય કામગીરી કરી રહ્યું છે અને હજુ સુધીમાં સુતેલું તંત્ર ક્યારે જાગશે તે જોવાનું છે.

આ પણ વાંચો:

  1. છેલ્લાં ૨૪ કલાકમાં ભરૂચના વાલિયા તાલુકામાં ૧૨ ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો કુલ 116 ટકા વરસાદ - Gujarat weather update
  2. બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બન્યું આહ્લાદક નયનરમ્ય પ્રવાસન સ્થળ - Butterfly garden at statue of unity
Last Updated : Sep 3, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details