દમણ: સંઘપ્રદેશ દમણ ખાતે આજે 19 મી ડિસેમ્બરે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દીવ-દમણ પર 1961 સુધી પોર્ટુગીઝોનું શાસન હતું. દમણને 19મી ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાયું હતું. આ વર્ષે 64મો મુક્તિદિવસ છે. ભારતને 1947માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળ્યા છતાં, પોર્ટુગીઝોએ દમણ, દીવ અને ગોવા પર એક દાયકાથી વધુ સમય સુધી શાસન કર્યું હતું. અને આખરે 1961માં 19મી ડિસેમ્બરે મુક્ત થયું હતું. આ 64 વર્ષમાં દીવ-દમણ પ્રવાસન ક્ષેત્રે અને ઉદ્યોગક્ષેત્રે અનેક ગણો વિકાસ થયો છે.
ભાજપ કાર્યાલય પર ધ્વજવંદન કરાયું: 19મી ડિસેમ્બર 2024ના રોજ દમણનો 64મો મુક્તિ દિવસ છે. જેને અનુલક્ષીને આજ રોજ દમણ કલેકટર કચેરી, દમણ નગરપાલિકા, પંચાયત અને ભાજપ કાર્યાલય પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ-દીવના ભાજપના વરિષ્ઠ આગેવાન એવા ગોપાલ ટંડેલના હસ્તે કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ગોપાલ ટંડેલનું નિવેદન: દમણ દીવના આ 64માં મુક્તિ દિવસ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને માજી સાંસદ ગોપાલ ટંડેલે જણાવ્યું હતું કે, દમણ દીવમાં ભાજપના શાસનમાં અનેકગણા વિકાસના કામ થયા છે. આવનારા દિવસોમાં પણ દમણ દીવના તમામ વિકાસના કામ થાય, જનતા અમારી પાસે જે પણ કામ લઈને આવશે તે અમે કરીશું. દમણ દીવની તમામ જનતાને આજના મુક્તિ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.'