બનાસકાંઠા : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામેગામ અને શહેરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ ગેનીબેન ઠાકોરે આ સ્વચ્છતા પખવાડિયા પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
દિશા કમિટીની બેઠક :સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં ગેનીબેન ઠાકોરે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. સાથે જ તેમને કડક સૂચનાઓ આપતા જણાવ્યું કે, સરકારી યોજનાઓનું અમલીકરણ થાય અને સાચા અર્થમાં લોકોને તેનો લાભ મળે તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ. જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે યોગ્ય સૂચનાઓ આપી છે.
MP ગેનીબેન ઠાકોર (ETV Bharat Gujarat) અધિકારીઓની ઝાટકણી કાઢી :દિશા કમિટીની બેઠકમાં હાજર રહેલા ગેનીબેન ઠાકોરે સરકારી યોજનાઓને લઈને પણ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, દિશા યોજના હેઠળ ચાલતી વિવિધ યોજનાઓનો લાભ ગામડાઓ સુધી પહોંચતો નથી. યોજનાઓ માત્ર કાગળ ઉપર જ છે. આ બેઠકમાં અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને દિશા કમિટી હેઠળ ચાલતી યોજનાઓનું અમલીકરણ થાય અને તેના લાભો ગામે ગામ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે.
કાર્યપ્રણાલી પર કર્યા આક્ષેપ :ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, દિશા કમિટી હેઠળ 200 થી વધુ યોજનાઓ છે. જેમાં મનરેગા, પ્રધાનમંત્રી સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ લોકોને સુવિધાઓ અને સુખાકારી આપતી વિવિધ યોજનાઓ માટે ગ્રામ્ય વિસ્તારની જે માંગણીઓ હોય, તેમાં જે અધિકારીઓને અમલીકરણ કરવાનું હોય કે જે વહીવટી પ્રક્રિયા કરવાની હોય તે કરતા નથી. સેનિટેશનની યોજનાઓ માત્ર કાગળ પર ચાલે છે, લોકેશન પર કઈ નથી. તેનું મોનીટરીંગ થવું જોઈએ.
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વર્ષમાં સ્વચ્છતા માટે બે વાર ગ્રાન્ટ આવે છે, તેમ છતાં પણ સ્વચ્છતા જળવાતી નથી. તેમને કહ્યું કે છ માસની ગ્રાન્ટ ભલે ભ્રષ્ટાચારમાં જતી હોય પરંતુ બીજા છ માસની ગ્રાન્ટમાં સ્વચ્છતા થવી જોઈએ. સાંસદ ગેનીબેન ઠાકોરે વધુ આક્ષેપ કરતા કહ્યું કે, ગાંધી જયંતી આવે એટલે સ્વચ્છતા યાદ આવે છે, પરંતુ સ્વચ્છતા નિયમિત થવી જોઈએ.
- અનામતમાં અસમાનતા મુદ્દે ગેનીબેન ઠાકોરનો PM મોદીને પત્ર
- 'કોંગ્રેસ જેને ટિકિટ આપશે મતદારો તેને જીતાડશે' ગેનીબેનનો દાવો