રોકડ રકમ પર હાથ સફાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ રાજકોટ: ધોરાજી શહેરની બેંક ઓફ બરોડામાં રૂપિયા 1 લાખની રોકડ રકમ લઈ લાઇનમાં ઊભેલા એક ખેડૂતના પૈસા બે મહિલાઓએ હાથ સફાઈ કરી પૈસાની થેલીમાંથી શેરવી લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી જેમાં બે મહિલાઓએ સાથે મળી એક વ્યક્તિની થેલીમાંથી રોકડ રકમ પર હાથ સફાઈ કરી નાસી છૂટી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ધોરાજી સીટી પોલીસે ઘટનાને અંજામ આપનાર મહિલાઓ સહિત પાંચ મહિલાઓની ટોળકીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આ મામલે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શું છે સમગ્ર મામલો:ભોગ બનનાર મોટી પરબડી ગામના દિનેશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, તેઓ બેંક ઓફ બરોડા ખાતે પૈસા ઉપાડ્યા બાદ પાસબુક પ્રિન્ટિંગ માટે લાઈનમાં ઊભા હતા ત્યારે બે અજાણી મહિલાઓ દ્વારા તેમની થેલીમાં કોઈ બ્લેડ જેવી વસ્તુ મારી મારા રૂપિયા કાઢી લેવાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરતા તુરંત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઘટનાને અંજામ આપનાર મહિલાઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
રોકડ રકમ પર હાથ સફાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ મુદામાલ સાથે પાંચ મહિલાઓની અટકાયત:ધોરાજીમાં બનેલ આ બનાવ બાદ પોલીસે 2 અજાણી મહિલાઓ સામે આઈ.પી.સીની કલમ 380 તેમજ 114 મુજબ ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસના ધમધમાટ શરૂ કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરીને ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રકમ તેમજ અન્ય મુદામાલ સાથે પાંચ મહિલાઓની અટકાયત કરી છે.
કોણ છે આ આરોપીમહિલાઓ: આ બનાવમાં ધોરાજી સિટી પોલીસે મધ્યપ્રદેશની રાધિકાબેન ચેતનભાઇ સિસોદિયા, મમતાબેન આશિષભાઈ સિસોદિયા, માલતીબેન ધર્મેન્દ્રસિંહ સિસોદિયા, અનુરાધાબેન પ્રદીપભાઈ સિસોદિયા તેમજ સ્વેતાબેન માધવસિંગ સિસોદિયા નામની પાંચ મહિલાઓની અટકાયત કરી છે.
પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું:ધોરાજી શહેરમાં બનેલા બનાવ અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગના જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ધોરાજી શહેરની બેંક ઓફ બરોડામાં પૈસા લઈને આવેલા એક વ્યક્તિની થેલીમાંથી બ્લેડ જેવી વસ્તુ મારીને પૈસા કાઢી લીધા હતા જેમાં આ મહિલાઓ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ ટીમ અને અન્ય સોર્સ દ્વારા આ મામલે તપાસના ધમધમા તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ તપાસમાં આ મહિલાઓ ઘટનાને અંજામ આપી મૂળ મધ્યપ્રદેશની હોય અને મધ્યપ્રદેશ ભાગવાની તૈયારીમાં હોય તે અંગેની જાણ થઈ હતી જેમાં આ મહિલાઓ જુનાગઢ ખાતે હોય તેવી માહિતી મળતા કુલ આ મામલે પાંચ જેટલી મહિલાઓની ધોરણસર અટકાયત કરી અને તેમની વધુ ઊંડાણપૂર્વક તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્, સુરત લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની જીતનો રસ્તો સાફ - SURAT LOK SABHA SEAT