ડભોઇ તાલુકાના સાઠોદમાં ભાજપ માટે પ્રવેશબંધી વડોદરા :પરસોતમ રુપાલાના વિરોધમાં રાજપૂત સમાજનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ગુજરાતના અસંખ્ય ગામડાંઓમાં ભાજપના આગેવાનો અને ઉમેદવારોના પ્રચાર માટે પ્રવેશબંધી અંગેની જાહેરાત થઈ છે. ત્યારે ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનર લાગ્યા છે.
ક્ષત્રિય સમાજનું ઉગ્ર આંદોલન : રાજકોટમાં એક જાહેર સભા દરમિયાન લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા 12 દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.
સાઠોદમાં ભાજપ માટે પ્રવેશબંધી : સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધને લઈને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો કોઈપણ રાજકીય પક્ષના કાર્યકરો કે નેતાઓને ગામમાં પ્રવેશ કરવો નહીં, તેવા બેનર ગામના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં રૂપાલા સામે વિરોધના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું.
રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ :ભાજપ મોવડી મંડળે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી પર પૂર્ણવિરામ મૂકી દેતા રૂપાલાએ ફરી ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તમામ જિલ્લાના શહેર અને ગામમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લીધા છે. ઉપરાંત સોગંદ લેતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
- સુરતમાં ક્ષત્રિય સમાજના વિરોધની આશંકા વચ્ચે પોલીસ કાર્યવાહી, 21 લોકોની અટકાયત
- પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ક્ષત્રિયો મેદાને, ધંધુકામાં 'અસ્મિતા મહાસંમેલન' યોજવામાં આવ્યું