ખેડા :સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત પવિત્ર ગોમતી તળાવમાં સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સમગ્ર તળાવમાં અને ઘાટ પર ઠેર ઠેર ગંદકી જોઈ ભાવિકોના હૈયા દ્રવી ઉઠે છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ભાવિકો માંગ કરી રહ્યા છે. આ બાબતે ETV Bharat ટીમે ગોમતી ઘાટ પર રિયાલીટી ચેક કરતાં ગંદકીની સાથે જ સમગ્ર ઘાટ પર થયેલા દબાણ પણ નજરે પડ્યા હતા.
પવિત્ર ગોમતી તળાવની દુર્દશા :ગોમતી તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવમાં અને ઘાટ પર બેફામ રીતે કચરો ઠલવાતા તળાવ દૂષિત થયું છે. તેમજ આખા તળાવ પર જંગલી વેલનું સામ્રાજ્ય ફેલાયું છે. પવિત્ર તળાવની દુર્દશા પ્રત્યે નગરપાલિકા દુર્લક્ષ સેવતી હોવાનો રોષ પણ લોકો વ્યક્ત કરી ચૂક્યા છે. નગરજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેટલીય વાર સાફ સફાઈ કરવામાં આવી છે. પરંતુ જેમ તેમ કચરો ઠલવાતા સ્થિતિ એની એ જ રહે છે.
ગોમતી તળાવમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય ફેલાયું (ETV Bharat Gujarat) ગોમતી ઘાટ પર દબાણ ખડકાયા :યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર સામે આવેલા પવિત્ર ગોમતી તળાવના ઘાટ પર ગંદકી સાથે જ ઘાટ પર ઠેર ઠેર દબાણ ખડકાયેલા જોવા મળ્યા હતા. વેપારીઓ દ્વારા ઘાટ પર કબજો જમાવી દેવામાં આવ્યો છે, જેને લઈ ભાવિકોને અગવડ થતી હોવાનું જોવા મળી રહ્યું છે. તળાવના ઘાટ પર તેમજ તળાવમાં ફેલાયેલી ગંદકીને લઈ ડાકોર આવતા યાત્રિકો પણ ભારે વ્યથિત જણાયા હતા.
"અમે ભગવાનના દર્શન માટે આવ્યા હતા, બહુ સરસ દર્શન થયા. પણ અહીં બહુ ગંદકી જોવા મળી. અહીં સફાઈ માટે તંત્રએ એ બાબતે ધ્યાન આપવું જોઈએ" -- સુરેન્દ્ર મિશ્રા (શ્રદ્ધાળુ)
તળાવમાં જંગલી વેલનું સામ્રાજ્ય :રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે આવેલા ભાવિકોમાં ગંદકી જોઈ ભારે નિરાશા જોવા મળી હતી. પવિત્ર ગોમતી તળાવમાં અને તળાવના ઘાટ પર સ્વચ્છતા જાળવવા માટે ડાકોર નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ભાવિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત તાત્કાલિક જંગલી વેલ દૂર કરવા રજૂઆત કરી છે.
તળાવમાં જંગલી વેલનું સામ્રાજ્ય (ETV Bharat Gujarat) - તીર્થસ્થળની આવી દુર્દશા જોઈ જીવ બળે છે : શ્રદ્ધાળુ
આ બાબતે ડાકોર દર્શને આવેલા શ્રદ્ધાળુ અક્ષિતાબેને જણાવ્યું કે, અમે ડાકોર આવ્યા ભગવાનના દર્શન સરસ રીતે થયા. રાજભોગની આરતીના પણ દર્શન થયા.પણ ગોમતી ઘાટ પર આવ્યા તો અહી ગંદકી બહુ જ છે. તંત્રએ થોડું સજાગ થવું જોઈએ. તીર્થ સ્થળ પર આવી દુર્દશા જોઈને જીવ બળે છે. જે અંદરથી આનંદ થવો જોઈએ તે નથી થતો. તંત્રએ વિચારવું જોઈએ, નગરપાલિકાએ સાફ સફાઈનું પૂરતું ધ્યાન આપવું જોઈએ.
- ગોમતીમાં સફાઈ કામગીરી ચાલુ છે, સૌનો સાથ-સહકાર જરૂરી છે : ચીફ ઓફિસર
ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, ગોમતી ઘાટ પર જે ટુરિસ્ટ આવે છે તેમાંથી ઘણા પાણીની બોટલ સહિત કચરો ફેંકે છે. તો એ સાથ સહકાર આપે. અત્યારે ગોમતીની સફાઈ અને વનસ્પતિ દૂર કરવાની મેન્યુઅલી કામગીરી હંગામી રીતે ચાલુ કરી દેવામાં આવી છે .થોડા સમયમાં મશીન મંગાવી આગામી મહિનામાં સાફ સફાઈ કરી દેવામાં આવશે. હાલ નગરપાલિકા ડોર ટુ ડોર કલેકશન કરી કચરાના નિકાલ માટેની સેગ્રીગેશન સહિતની કામગીરી કરી રહી છે.
- યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં અનેક માછલીઓના મોતથી અરેરાટી !
- ડાકોરમાં દેવ દિવાળીની ઉજવણી, ઠાકોરજીએ રત્નજડિત મુગટ ધારણ કર્યો