અમદાવાદ: છેલ્લા ત્રણ ચાર દિવસથી અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્દીની પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી અને તેમાંથી બે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર કાંડ માત્રને માત્ર PMJAY યોજના હેઠળ પૈસા પડાવવા માટે કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તો બીજી તરફ હર્ષ સંઘવી પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ ખ્યાતિ હોસ્પિટલના મામલે હવે રાજકારણ પર ગરમાયેલું જોવા મળી રહ્યું છે.
ફરિયાદમાં વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે: ખ્યાતિ હોસ્પિટલના મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીએ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમના દ્વારા સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવી હતી કે "ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે. વધુમાં ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે."
"આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે." -હર્ષ સંઘવી (રાજ્ય ગૃહમંત્રી)