પોરબંદરઃકોંગ્રેસ નેતા અને ખેડૂત આગેવાન પાલ આંબલીયા આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પોરબંદર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા સહિતના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ આગેવાનોએ રેલી સ્વરૂપે કુતિયાણામાં પ્રાંત અધિકારીની કચેરીએ જઈ કુતિયાણાના પ્રાંત અધિકારીને ઘેડ વિસ્તારના ખેડૂતો ના વિવિધ પ્રશ્ને આવેદન આપ્યું હતું.
ઝેરી કેમિકલ ઘેર વિસ્તાર માટે બરબાદીઃ પાલ આંબલીયાએ ખેડૂતોના અનેક મુદ્દાઓ બાબતે પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં અગાઉ 1992 પહેલા જેમ સરકાર દ્વારા રચિત "ઘેડ વિકાસ સમિતિ" કામ કરતી હતી. તેમ આખા ઘેડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા "'ઘેડ વિકાસ નિગમ"' બનાવવામાં આવે, ઘેડ વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટમાં ફાળવવામાં આવે. તેના માધ્યમથી ઘેડના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તથા ઘેડ વિસ્તારના આ અનેક પ્રશ્નો અલગ અલગ નદીઓના કારણે થાય છે એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે. ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં થયેલ પાક નુકસાની, જમીન ધોવાણ સહિતના નુકસાન પેટે SDRF મુજબ નહીં પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી 1000 કરોડનું રાહત પેકેજ આપવામાં આવે. (અગાઉ રાજ્ય સરકારે અમરેલીમાં 2015 માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેકટર રૂપિયા 60 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા) જેતપુર અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંથી ભાદર - ઊબેણ નદીમાં ઝેરી કેમીકલ ઠાલવવામાં આવે છે, જે આખેઆખા ઘેડ વિસ્તારને બરબાદ કરી રહ્યું છે. બહુ સપસ્ટ માંગ છે કે આ ઝેરી કેમિકલ ભાદર, ઊબેણ નદીમાં ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે.
તેમણે જણાવ્યું કે, જેતપુરનું ગંદું પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા 'સેવ પોરબંદર સી' સંસ્થાના આગેવાન નૂતનબેન ગોકાણી પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ જેતપુરનું ગંદુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રોકવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં પોરબંદર બંધ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.