શક્તિસિંહ ગોહિલના રોજગારીને લઈને ભાજપ સરકાર પર પ્રહાર (Etv Bharat Gujarat) હૈદરાબાદ:ભરૂચના અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થરમેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે 5 જગ્યાઓ પર વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી વાંછુક યુવાનોનો સેલાબ ઉમટી પડતા પડાપડી અને ધક્કામુક્કી જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને સમગ્રે દેશમાં ગુજરાત મોડલ અને રોજગારીને લઈને લોકોને વિચારતા કરી દીધા છે. ત્યારે કોંગ્રેસે આ વીડિયોને શેર કરીને ભાજપ સરકાર નિશાન સાધ્યું છે.
ગુજરાત મોડલની પોલ ખુલી ગઈ: કોંગ્રેસે આ વીડિયોને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે અને ગુજરાત મોડલ અને ગુજરાતમાં રોજગારીના મસમોટા દાવાઓને લઈને સવાલો ઉઠાવ્યા છે. કોગ્રેસે લખ્યું છે કે, 'નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડલ... ગુજરાતના ભરૂચમાં એક હોટલમાં નોકરી માટે બેજરોજગારોની ભારે ભીડ ઉમટી પડી, પરિસ્થિતિ એવી બની કે હોટલની રેલિંગ તૂટી ગઈ અને ગુજરાત મોડલની પોલ ખુલી ગઈ નરેન્દ્ર મોદી આજ બેરોજગારીનું મોડલ પુરી દુનિયામાં થોપી રહ્યાં છે'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ વીડિયોને શેર કરતા લખ્યું કે, 'આ વીડિયો 22 વર્ષથી ભાજપ દ્વારા ગુજરાતની જનતા સાથે કરેલા વિશ્વાસઘાતના મોડલનું પ્રમાણ છે. આ વીડિયો 10 વર્ષથી મોદી સરકારે જે રીતે યુવાનોની નોકરીઓ છીનવી છે, તેમના ભવિષ્યને બરબાદ કર્યુ છે આ તેનો સચોટ પુરાવો છે'.
ગુજરાત યુથ કોંગ્રેસના એક્સ હેન્ડલ પરથી પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, આ યુવાઓએ ગુજરાતમાં જન્મથી લઈને અત્યાર સુધીમાં ભાજપનું શાસન જોયું છે. આજ આ તસ્વીરો બેરોજગાર યુવાઓની સ્થિતિનું વર્ણન કરવા માટે પર્યાપ્ત છે.
આજ મુદ્દે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક વીડિયો એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, આજે ભરૂચમાં હજારો ફેક્ટરી હોવા છતાં સ્થાનિક યુવાઓને રોજગારી નથી મળી રહી. બેરોજગારીને લઈને મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર સણસણતા પ્રહારો કર્યા છે.