માંગરોળ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી (Etv Bharat gujarat) સુરત:જિલ્લાના માંગરોળ તાલુકામાં તા. 24 ના રોજ આવેલા પૂરમાં અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઇ છે. જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલ, માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી, શંકર ચૌધરી, સ્થાનિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજી ચૌધરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલેક, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત, અયાઝ મલેક, સઇદ ભાણા, યાકુબ પઠાણ,સહિતના આગેવાનોએ કોસાડી ગામની મુલાકાત લીધી હતી.
પૂરને લીધે અનેક ઘરોમાં નુકસાન: કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, પૂરને લીધે અનેક ઘરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન થયું છે અને કોસાડી ગામે 4 કરોડના ખર્ચે કીમ નદી પર નિર્માણ થયેલ પાળા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કોંગ્રેસના આગેવાનોએ સત્તાધારી પક્ષ પર લગાવ્યો હતો. લિંબાડા ગામના પૂર પ્રભાવિત ભાઠા ફળિયાની મુલાકાત લઇ લોકોની વેદના સાંભળી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલે સરકાર અને વહીવટી તંત્ર પર આંકરા પ્રહારો કરતા જણાવ્યું કે, 5 દિવસ વીતવા છતાં અત્યાર સુધીમાં એક પણ પૂર પ્રભાવિત પરિવારને સરકારની કોઈપણ જાતની સહાય મળી નથી.
કોંગ્રેસ સમિતિની આંદોલનની ચીમકી:ફળિયાઓમાં ગંદકી કાદવ કિચડનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. સરકાર માત્ર વિકાસની વાતો કરી રહી છે. પરંતુ આ ગામના આદિવાસી ફળિયાઓમાં કોઈ વિકાસ દેખાતો નથી. ગરીબાઈની હાલતમાં આદિવાસી સમાજ જીવી રહ્યો છે અને હાલના તબક્કે સરકાર પૂરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હવે મદદ નહીં કરે તો કોંગ્રેસ સમિતિ ગરીબોના ન્યાય માટે મામલતદાર કચેરી ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામના લોકોને હજી કેશડોલ ચૂકવાઇ નથી એ સરકારની નિષ્ફળતા બતાવે છે.
લોકોની ઘરવખરીને નુકસાન:પૂરના કારણે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. મકાનો પડી ગયા છે. ત્યારે કોંગ્રેસ સમિતિ આ તમામ મુદ્દા સરકાર સમક્ષ મૂકી રહી છે અને ગરીબોને ન્યાય મળે તેવા પ્રયાસ કોંગ્રેસ સમિતિ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોસાડી ગામે કીમ નદી પર 4 કરોડની પાળા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. જેને કારણે લોકોના ઘર સુધી નદીના પૂર આવી ગયા છે. ગ્રામજનોની માગણી મુજબ નદી પર બનાવેલ પાળો ઊંચો કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
- કચ્છમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 7 મહિનામાં 21.55 લાખ રોપાઓનું વિતરણ - Tree planting
- સુરતના કીમ ચાર રસ્તા નજીક સ્ટેટ હાઇવે પર વરસાદના લીધે પડ્યા ખાડા, વાહન ચાલકો પરેશાન - Potholes on the state highway