અમદાવાદ:સોમવારે સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુમારે પાલડી સ્થિત કાર્યાલય ખાતે તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇને ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન પોલીસ મૂકપ્રેક્ષક બની ચૂપચાપ બેસી રહી હતી.
પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઇજા: આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હતી. ઘાયલ પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર અનેક કાર્યકારોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1 જુલાઈ સોમવારના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.
કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી: અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં VHP અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. આ દરિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી હતી.
આ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે:ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે.