ભાવનગરમાં આચારસંહિતા ભંગની કેટલી ફરિયાદ નોંધાઈ ? ભાવનગર :લોકસભા ચૂંટણી 2024 જાહેર થયા બાદ લાગેલી આચારસંહિતાને પગલે શહેર અને જિલ્લામાંથી રાજકીય પક્ષોના બેનર અને ધજા વગેરે ઉતારી લેવામાં આવ્યા છે. આમ છતાં પણ ક્યાંક આચારસંહિતાનો ભંગ થતો હોવાની ફરિયાદો થતી હોય છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને આજ દિન સુધીમાં ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં કેટલી ફરિયાદ થઈ અને તે અંગે શું કાર્યવાહી થઈ જુઓ...
આચારસંહિતા ભંગની કેટલી ફરિયાદ ? આચારસંહિતા લાગુ થયા બાદ ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં આચારસંહિતા ભંગની કેટલી ફરિયાદ આવી તે અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, આચારસંહિતા લાગુ થઈ ત્યારબાદ આજદિન સુધીમાં નવ જેટલી ફરિયાદ આવી છે. જોકે કોઈ ગંભીર ફરિયાદ સામે આવી નથી, જનરલ કેટેગરીની ફરિયાદ સામે આવી છે. તેને લઈને અમારા તરફથી થતી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
અપક્ષ ઉમેદવાર દ્વારા ફરિયાદ : ભાવનગરમાં આચારસંહિતા લાગ્યા બાદ ઉમેદવારી પત્રો ભરાયા અને પ્રચારની શરૂઆત થઈ હતી. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરાયા પહેલા કેટલીક ફરિયાદ સામે આવેલી હતી. જેમાં ઉમરાળાના ઇંગોરાળા ગામમાં 21 તારીખના રોજ નિમુબેન બાંભણિયાએ મંદિરમાં સભા યોજી હોવાની ફરિયાદ હતી. જ્યારે બીજી અપક્ષ ઉમેદવારી કરતા સંજય મકવાણાએ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, તલાટી મંત્રીઓની જે બદલી થઈ તે ભાજપના ભલામણથી થઈ છે અને તે લોકો જ હવે ચૂંટણી પ્રક્રિયામાં કામ કરી રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા થયેલ કાર્યવાહી :ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યા પહેલા આવેલી ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, બે ફરિયાદ આવી છે, જે જનરલ કેટેગરીની છે. જેમાં એક ઉમરાળાની છે તેમાં પણ અમારા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બીજી અપક્ષ ઉમેદવારની છે તેને લઈને પણ ડીડીઓ સાથે અમે વાર્તાલાપ કરી છે. તેમાં કોઈ તથ્ય જણાતું નથી, કારણ કે ચૂંટણી જાહેર થઈ તેના ત્રણ મહિના પહેલા આ બદલી થઈ છે.
- ભાવનગર લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નહીં, 13ના આંકડા સાથે આ ઉમેદવારો મેદાનમાં
- ભાવનગર બેઠકના ઈન્ડિયા અલાયન્સના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી