ગાંધીનગરઃરાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યું છે. સેંકડો નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને લીલો દુષ્કાળ પડવાની સંભાવના છે. સામાન્ય લોકોને પણ માલ મિલકત પાણીમાં ગરકાવ થઈ જતા જાનમાલની નુકસાની થઈ છે. તેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં તાત્કાલિક નુકસાની સર્વે રિપોર્ટ કરવા માટે આદેશ આપ્યા છે. જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત, 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ 2 લાખ જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું છે.
જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
થયેલી નુકસાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીનો આદેશ
બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકસાનીનો સર્વે કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે. તેઓએ લોકોના રેસ્કયૂની કામગીરી, ડેમો તથા રોડ-રસ્તાની સ્થિતિ, પીજીવીસીએલ, કોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી વિષે ચર્ચા કરી હતી. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસક્યૂ, સ્થળાંતરની કામગીરી તેમજ ફૂડપેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું.
પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ કાઢવા સૂચનો
જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. લોકોના આરોગ્ય અને સાફ-સફાઇની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું. ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.
- જૈન સાધ્વીની છેડતીના કેસમાં ગેનીબેન ઠાકોરના આક્ષેપો: કહ્યું- પોલીસ માત્ર એક સમાજને કરી રહ્યા છે ટાર્ગેટ - Allegation on police by Geniben
- 14 વર્ષે પાપ પોકાર્યુંઃ કૂદરત અને કાયદાનો ન્યાય તો જૂઓ, વર્ષો પછી અમદાવાદ પોલીસે પકડ્યો અને... - Ahmedabad Crime Story