ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છોટા ઉદેપુર : છોટા ઉદેપુર જિલ્લા મથક છોટા ઉદેપુર ખાતે ગોરા રામજી મંદિરના પ્રાંગણમાં ભગવાન રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચારભૂજા સેવા ટ્રસ્ટ અને જલારામ પરિવાર, જિલ્લા ભાજપ પ્રમુખ, વાલ્મિકી સમાજ સહિતના આગેવાનોએ અભિષેકનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી. બપોરે 12 કલાકે અયોઘ્યા ખાતેથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મોટાં પડદા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા અને બાઇક રેલી : જિલ્લાના બોડેલી ઢોકલિયા રામ મંદિર ખાતે આયોધ્યા ખાતે રામ મંદિર પરિસરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું, એ બાદ ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી યોજવામાં આવી હતી. સવારે જિલ્લાના મંદિરોમાં અખંડ રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, સર્વરોગ નિદાન કેમ્પ અને શ્રી રામ લલ્લાના બાળ સ્વરૂપનો અભિષેક કરવામાં આવ્યો હતો.
મહાપ્રસાદીનું આયોજન : બપોરે 12.45 કલાકે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની વિશાળ પ્રતિમા સમક્ષ મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલિસ વડા આઇ. જી. શેખ તથા વિવિધ આગેવાનોએ મહા આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ જલારામ પરિવાર તરફથી મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરની જનતાએ મોટી સંખ્યામાં પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.
દેવીદેવતાઓના મંદિરોને શણગારાયાં :ઉલ્લેખનીય છેકે સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ આજરોજ તા.22 જાન્યુઆરીના રોજ અવધ પૂરી અયોઘ્યા ખાતે યોજાયો. જેમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. જેની સાક્ષીમાં સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો પણ રામભક્તિમાં રંગાયો હતો. ઠેર ઠેર મંદિરોમાં અને જાહેર જગ્યાઓ ઉપર ભગવાન રામની ધજા પતાકા, સંગીતમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમગ્ર જિલ્લાના રામ મંદિરો તથા અન્ય દેવીદેવતાઓના મંદિરોને શણગારવામાં આવ્યા હતા અને સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
દિવાળી જેવો ઉત્સવ : છોટા ઉદેપુર નગરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે તા.22 ના રોજ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમયે ઢોલનગારા સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામ અયોઘ્યા ખાતે પધાર્યાની ખુશીમાં છોટા ઉદેપુર સહિત સમગ્ર દેશ ભાવવિભોર થયો છે અને દિવાળી જેવો ઉત્સવ મનાવાઇ રહ્યો છે.
ભક્તિનો અનોખો માહોલ : છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર દીપક વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, અધોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થતાં દેશભરમાં ખુશી અને ભક્તિનો માહોલ સર્જાયો છે. એ સાથે આજે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં ભક્તિનો અનોખો માહોલ છે. આજે બોડેલી સહિત જિલ્લાના નાના મોટા બજારોમાં સ્વયંભૂ બંધ રાખી બધાં જ લોકો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં જોડાયાં છે.
- Ram Mandir : શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહીસાગરના શહેરો અને ગામેગામમાં રામોત્સવ
- પાટણમાં 22 હજાર વૃક્ષો વાવી "શ્રી રામ વન" નિર્માણનો પ્રારંભ, ગુજરાતનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ બનશે