છોટાઉદેપુર: આમ તો જિલ્લાની ઓળખ પીઠોરાના ચિત્રો થકી થાય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાની લોકપ્રિય વાનગી છે અડદના ઢેબરા. આ અડદના ઢેબરા દરેક તહેવારમાં બનાવવામાં આવતા હોય છે. ઉપરાંત ઇન્દ પાનગા અને લગ્ન પ્રસંગમાં મોટી માત્રામાં અડદના ઢેબરા બનાવવામાં આવતા હોય છે. પરંતુ પરંપરાગત રીતે બનાવવામાં આવતા અડદ ઢેબરાની પ્રક્રિયા ખુબ જટિલ હોય છે. તેમ છતાં આદિવાસી મહિલાઓ ઉત્સાહ પૂર્વક દરેક તહેવારમાં અડદના ઢેબરા બનાવતી હોય છે, તો કેટલાંક લોકો હોટેલમાં અડદના ઢેબરા બનાવી રોજગારી મેળવી રહ્યા છે.
છોટાઉદેપુરમાં કેમ પ્રખ્યાત છે અડદના ઢેબરા?જિલ્લામાં વર્ષોથી દેવો અને પૂર્વજોનું પૂંજન અડદના ઢેબરા દ્વારા કરવામાં આવતું આવ્યું છે. દરેક વાર-તહેવારે દરેક ઘરમાં અડદના ઢેબરા બનાવવાની પરંપરા હોવાથી અડદના ઢેબરાની વાનગી લોકપ્રિય બની છે. વળી વર્ષોથી છોટાઉદેપુરની જમીનનો મુખ્ય પાક અડદ હોવાથી અડદનો ખોરાક આદિવાસીઓ આરોગતા થઈ ગયા છે.
અહીં અડદની દાળ અને મકાઈના રોટલા મુખ્ય ખોરાક ગણાય છે. વળી અડદના પાકમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુ નાશક દવાનો ઉપયોગ નહીં હોવાના કારણે અડદ સંપૂણ ઓર્ગેનિક હોય છે. અડદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોવાથી અડદ દાળને છાલ સહીત ખોરાક તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. પરિણામે અડદ જિલ્લાનો મુખ્ય અને લોકપ્રિય ખોરાક બનો ગયો છે.
કેવી રીતે બનાવવામાં આવે છે અડદના ઢેબરા:અડદના ઢેબરા બનાવવા હોય તો આગોતરું આયોજન કરવું પડતું હોય છે. તરત જ અડદના ઢેબરા બનતા નથી. ઢેબરા બનાવતા પહેલા છાલ વારી અડદની દાળને 10 કલાક સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. ત્યારબાદ દાળમાંથી થોડી છાલને પાણી વડે ધોઈ પથ્થર પર વાટવામાં આવે છે. જેમાં લસણ, આદું, લીલા ધાણાનું મિશ્રણ કરી તળવામાં આવે છે. જાણવા જેવી બબત એ છે કે, અડદના ઢેબરા ખાખરના પાનમાં જ બનાવવામાં આવતા હોય છે.
મરણ પ્રસંગમાં પણ અડદના ઢેબરા ફરજીયાત:અડદના ઢેબરાની વાનગી આમ તો શુભ પ્રસંગમાં શોખ માટે બનાવવામાં આવતી હોય છે. પરંતુ આદિવાસી સમાજમાં મૃત્યુ પ્રસંગમાં શોકના અવસર પર મોળા અડદના ઢેબરા બનાવી મૃતકને તર્પણ કરવાની પરંપરા છે. પરિણામે મરણ પ્રસંગમાં મોળા અડદના ઢેબરા બનાવવામાં આવતા હોય છે. દરેક તહેવારમાં દેવો અને પૂર્વજોનું પુંજન પણ અડદના ઢેબરા દ્વારા કરવામાં આવતું હોય છે.