ખેડા :રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. ખેડા જિલ્લામાં ચાંદીપુરાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુ એક કેસ નોંધાયો :ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેને લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ફોગિંગ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ સતર્ક થયું :મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી. એ. ધ્રુવે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામેગામ અને તાલુકા મથકોએ વિવિધ તકેદારીના પગલાં ભર્યા છે. જેમાં આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે કુલ 500 વ્યક્તિની ટીમોને વિવિધ કામગીરીની સોપણી કરી છે. જે ફીલ્ડ પર પહોંચી તકેદારીના ભાગરૂપે કામગીરી કરી રહી છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ અને ખાસ ગ્રામીણ વિસ્તારના ઘરોમાં દવાનો છંટકાવ, ફોગિંગ સહિત સર્વેની કામગીરી હાથ ધરી છે.