ગુજરાત

gujarat

ETV Bharat / state

BZ ગ્રુપ 6,000 કરોડનું કૌભાંડ : આરોપી મયુર દરજીએ કરી જામીન અરજી, CID ક્રાઈમે કહ્યું... - BZ GROUP 6000 CRORE SCAM

BZ ગ્રુપ 6,000 કરોડના કૌભાંડ મામલે આરોપી અને એજન્ટ તરીકે રોકાણ કરાવનાર મયુર દરજીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. વાંચો જામીન અરજી પરની સુનાવણીના અંશ...

આરોપી મયુર દરજી
આરોપી મયુર દરજી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 8:43 PM IST

અમદાવાદ : BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસીંહ ઝાલાની સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ નોંધાયો છે. આ મામલે સેશન્સ કોર્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી. બીજી તરફ BZ કૌભાંડમાં ઝડપાયેલા મયુર દરજીએ જ પણ જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજી પર આજે સોમવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આરોપી મયુર દરજીની જામીન અરજી :જામીન અરજીમાં મયુર દરજીએ એવી રજૂઆત કરી છે કે આ ઘટનામાં તેનો કોઈ રોલ જ નથી અને તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને જામીન આપે તો હું તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું, એટલે મને જામીન પર મુક્ત કરવો જોઈએ.

પોલીસ વિભાગ તરફે દલીલ :આ મુદ્દે જામીન અરજી સામે પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. ચૌધરીએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, આરોપી મયુર દરજીને મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાએ ગાડી સહિતની વસ્તુઓ ગિફ્ટમાં આપી હતી. તથા આરોપી મયુર દરજીએ માલપુર ખાતે એજન્ટ તરીકે ભૂમિકા ભજવી 39 લોકો પાસે 1.09 કરોડનું રોકાણ કરાવ્યું છે.

આ સિવાય આરોપીએ સહ આરોપીઓ સાથે મળી પાંચ લાખનું રોકાણ કરે તો ટીવી-ફોન અને દસ લાખનું રોકાણ કરે તો ગોવા, બાલી, માલદિવ સહીતની જગ્યાએ ફરવા લઈ જવાની લાલચ પણ લોકોને આપી હતી. આ તમામ બાબતોની તપાસ ચાલી રહી છે. આરોપી સામે અન્ય ગુનાઓ પણ દાખલ થયા છે. આવા ગંભીર કેસમાં આરોપીને જામીન ન આપવા જોઈએ

મુખ્ય આરોપી ભુપેન્દ્રસીંહ ઝાલા : 6 હજાર કરોડના કૌભાંડી ભુપેન્દ્રસીંહ ઝાલા હજી સુધી પોલીસ પકડથી દૂર છે. ફરાર ભુપેન્દ્રસિંહ ઝાલાને CID ક્રાઈમ શોધી રહી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીનમાં જણાવ્યું છે કે પોતે કોઈ કૌભાંડ કર્યું નથી, સાથે જ તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી.

આરોપીની જામીન અરજી પર સુનાવણી :મયુર દરજીની જામીન અરજી મામલે વધુ સુનાવણી મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. આ સાથે આરોપી ભુપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન અરજી સામે પણ એફિડેવિટ ફાઈલ કરવામાં આવશે. આમ બંને આરોપીઓની જામીન અરજી પર 9 ડિસેમ્બર, મંગળવારે સુનાવણી કરવામાં આવશે.

BZ ગ્રુપ દ્વારા 6,000 કરોડનું કૌભાંડ :ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં રહેતા BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસીંહ ઝાલાએ રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6,000 કરોડનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ગાંધીનગર CID ક્રાઈમે અલગ અલગ ટીમ બનાવી સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અનેક મહત્વના દસ્તાવેજો તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.

  1. કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી
  2. BZ ગ્રુપ કૌભાંડ: ખેડામાં બે એજન્ટોએ લોકોના લાખો રૂપિયા ડુબાડ્યા

ABOUT THE AUTHOR

...view details