ગાંધીનગરઃWHOના રિપોર્ટ મુજબ જો ખરેખર લોકો બહેરા થઈ જશે તો શું થશે? એકબીજાની વાતો કોઈ સાંભળી ના શકે તો શું થશે? આ વિચારીને તમે પણ ડરી ગયા હશો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં, પરંતુ ઈયરફોનથી ગીત સાંભળવાને કારણે આવું થઈ શકે છે. આજની ફાસ્ટ લાઇફમાં મોબાઈલનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી ગયો છે. મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઈયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ રહેતા જોવા મળે છે. ઘણી વખત તેમની આસપાસ કંઈક બનતું હોય તો પણ તેમને જાણ થતી નથી. ઈયરફોન, ઈયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને ઉપયોગ સતત વધી રહ્યો છે.
WHOની મેક હિયરિંગ સેફ માર્ગદર્શિકામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે. આ યુવાનોની ઉંમર પણ 12થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સ કહે છે કે વધારે અવાજથી સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે.
ઉપકરણોની અસરોઃરિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં 12થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવા અશક્ત અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેઓ તેમના અંગત ઉપકરણો જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર વધારે અવાજ રાખીને સતત સાંભળતા હોય છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહેતા હોય છે. આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.
શું કહે છે નિષ્ણાંતઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કાન અને ગળા વિભાગના પ્રોફેસર અને વડા ડોક્ટર યોગેશ ગજ્જરે જણાવ્યું કે, બહેરાશના ઘણા બધા કારણો છે. જેમ માણસની ઉંમર વધે તેમ તેમ બેહરાશ આવવાની સંભાવનાઓ પણ વધે છે. ઉંમર વધવાની સાથે કાનનો પડદો, નસ અને તેના તંતુઓ નબળા પડે છે. તેથી લાંબા ગાળે બહેરાશ આવી શકે છે. બાળક જન્મે ત્યારે કેટલાક બાળકોમાં જન્મજાતથી શ્રવણ શક્તિ નથી હોતી. તેને કારણે બાળક બોલી પણ નથી શકતું. આવા બાળકો માટે દરેક સરકારી હોસ્પિટલોમાં સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આવા બાળકોને કોકલેર ઇનપ્લાન્ટ સર્જરી કરી દેવામાં આવે છે.
હેડફોન લગાવી સુવાની આદત છે? તો જાણી લોઃયુવાનો હેડફોન અને ઇયર પ્લગનો ઉપયોગ ખૂબ વધારે પડતો થઈ ગયો છે. લોકો કાનમાં ઈયર પ્લગ અને હેડફોન ભરાવીને લાંબો સમય સુધી બેસી રહે છે. તેઓ કલાકો સુધી કાનમાં હેડફોન વડે ધોધાટીયું મ્યુઝિક સાંભળે છે. કેટલાક યુવાનો મ્યુઝિક સાંભળતા સાંભળતા રાતે સુઈ જાય છે. તેથી આખી રાત કાનમાં અવાજ જતા સેન્સેટિવિટી ઓછી થવાની સંભાવના છે. 80 થી 85 ડેસીબલથી વધારે અવાજ જ્યારે રોજ નિયમિત આઠ કલાક સાંભળીએ ત્યારે આ વસ્તુ લાંબા ગાળે કાનના સાંભળવાના તંતુને નુકસાન કરી શકે છે. આ તંતુને નુકસાન થતાં બેહરાશ આવવાની સંભાવના છે. આ બહેરાશ નો ઈલાજ કરવો ખૂબ મુશ્કેલ છે.