સુરતઃ કેન્દ્ર સરકાર વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના વેપારીઓને આ બજેટ તરફથી ખાસ આશા, અપેક્ષા અને માંગણીઓ છે. જેમાં ખાસ તો વિવિધ યોજનાઓમાં મળતી સબસિડીમાં વધારો, GSTમાં સરળીકરણ અને MSME કાયદામાં જે 45 દિવસની મર્યાદા છે તેમાં વધારો થાય તેવું સુરતના વેપારીઓ ઈચ્છી રહ્યા છે.
સબસિડીમાં વધારોઃ સુરત ટેક્સટાઈલ સૌથી વધુ રોજગાર આપતો ઉદ્યોગ છે. દેશમાં ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે પૂર્વ નિર્ધારિત વિકાસ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 4 લાખ નવા હાઈસ્પીડ મશિનો ઈન્સ્ટોલ થવા જરુરી છે. જેમાં એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ, સરક્યુલર નીટિંગ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી 50 ટકા મશિનો સુરત ટેક્ષટાઈલ ક્લસ્ટરમાં ઈન્સ્ટોલ કરાવવા હોય તો આ ઉદ્યોગને ઈન્વેસ્ટમેન્ટ પર સબસિડી આપીને પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉદ્યોગ સાહસિકો સસ્ટેનેબલ પ્રોજેક્ટનું આયોજન કરતા હોય છે. જેમકે રિન્યુએબલ એનર્જી, સોલાર પાવર, વિન્ડ એનર્જી, કેપ્ટીવ સીઈટીપી વગેરેનો સમાવેશ થાય છે. સસ્ટેનેબલ પ્રોજેક્ટ્સમાં ધારાધોરણ મુજબ જે સબસિડી મળે છે તેમાં 15 ટકા એડિશનલ સબસિડી અપાય તો ઉદ્યોગપતિઓ સસ્ટેનેબલ પ્રોજેક્ટ માટે પ્રેરિત થઈ શકે તેમ છે.
MSMEમાં 45 દિવસની મર્યાદામાં વૃદ્ધિઃ સુરતના કાપડના વેપારીઓને સૌથી મોટી તકલીફ MSME કાયદામાં પડી રહી છે. જેમાં 45 દિવસની સમય મર્યાદા છે. જે વધારવામાં આવે તો સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને વધુ વેગ મળે તેમ છે. MSMEમાં નોંધાયેલા વેપારીઓને 45 દિવસમાં પેમેન્ટ આપવાના મુદ્દે કાપડના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. વેપારીઓને ડર છે કે આ નિયમથી તેમનો બિઝનેસ ડેમેજ થશે. કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે આ નિયમ અને કાયદાને લઈને ફરી વિચાર કરે અને ટેક્સ સ્લેબમાં રાહત આપે તેવી આશા વેપારીઓ કરી રહ્યા છે.