જામનગર:બોલિવૂડના સિતારાઓ ફરી એકવાર જામનગરમાં પહોંચ્યા છે. આજે સવારથી જામનગર એરપોર્ટ પર બોલિવૂડના જાણીતા એક્ટર્સ આવી રહ્યા છે. સારા અલી ખાન, તેનો ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી અને અન્ય કેટલાક બોલિવુડના સ્ટાર્સ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ તમામ કલાકારો ખાનગી કારમાં બેસીને નજીકની ખાનગી કંપની તરફ જવા રવાના થયા હતા. જ્યાં તેઓ રાત્રે રોકાણ કરશે. ત્યારબાદ નાતાલના તહેવારોની રજાની મોજ માણવા ક્રિસમસની ઉજવણી કરવા આવ્યા હોવાનું જાણવા મળે છે.
જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો (ETV Bharat Gujarat) જામનગરમાં અંબાણી પરિવારનો કાર્યક્રમ
મળતી માહિતી મુજબ, રિલાયન્સ રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અને ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે કંપની દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે બોલિવૂડના આ તમામ કલાકારો જામનગર પધાર્યા છે. જોકે, આગામી દિવસોમાં વધુ કેટલાક બોલિવૂડ કલાકારો પણ જામનગર આવી શકે છે તેવી ચર્ચાઓ છે. જામનગરમાં બોલિવૂડનો આવો ધમાકો થતાં શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હની સિંહ, અર્જુન કપૂર પણ જામનગર પહોંચ્યા
બપોરના સમયે સિંગર યો યો હની સિંહ, જાવેદ જાફરીનો પુત્ર મિર્ઝાન અને બોલિવૂડનો હિરો અર્જુન કપૂર પણ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતા. પોતાના ફેવરિટ સ્ટાર્સને જામનગરમાં જોઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફેન્સ સ્ટાર્સની સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.
આ વર્ષે અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ જામનગરમાં યોજાઈ હતી
નોંધનીય છે કે, આ વર્ષે જ જામનગરમાં અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં આખું બોલિવૂડ તથા હોલિવૂડમાંથી પણ જાણીતા કલાકારો, મોટા બિઝનેસ મેન તથા રાજનેતાઓ લગ્નમાં પધાર્યા હતા. ત્યારે ફરી એકવાર અંબાણી પરિવારમાં રિલાયન્સ રિફાઈનરીની સિલ્વર જ્યુબિલીનો પ્રસંગ આવતા બોલિવૂડના સ્ટાર્સ ઉમટ્યા છે.
આ પણ વાંચો:
- તાપી: બાજીપુરા ગામના બે બાળકો ગંગામાં સ્નાન કરતી વખતે ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ
- "ખુશખબર"! ફ્યુઅલ સરચાર્જમાં થયો મોટો ઘટાડો, છેલ્લા ત્રણ મહિનાના બિલ લાભ થશે