નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે આગામી લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને હરિયાણા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીઓ મનોહર લાલ ખટ્ટર અને બસવરાજ બોમાઈ સહિત અનેક અગ્રણી નેતાઓના નામ શામેલ છે.આ યાદીમાં ગુજરાતમાં સાત લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ જોવા મળ્યાં છે.
ગડકરી ફરી ચૂંટણી લડશે : ગડકરી ફરી એકવાર નાગપુરથી ચૂંટણી લડશે જ્યારે ગોયલ પહેલીવાર મુંબઈ (ઉત્તર)થી લોકસભાની ચૂંટણી લડશે. ખટ્ટરને હરિયાણાના કરનાલ અને હાવેરીમાં બોમાઈથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
શિવકુમારના ભાઈને ટિકીટ આપી : કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ફરી એકવાર હમીરપુરથી, પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડથી, ભગવંત ખુબા મહારાષ્ટ્રના બિદરથી અને ભારતી પ્રવીણ પવાર ડિંડોરીથી ચૂંટણી લડશે. ભાજપે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના જમાઈ સીએન મંજુનાથને બેંગલુરુ ગ્રામીણ લોકસભા સીટ પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જ્યાં તેઓ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ સામે ટકરાશે.
ગૌતમ ગંભીર બાકાત : ભાજપે પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીરના સ્થાને હર્ષ મલ્હોત્રા અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી હંસરાજ હંસના સ્થાને યોગેન્દ્ર ચંદૌલિયાને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ, પાર્ટીએ દિલ્હીની પાંચમાંથી ચાર બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકીટ રદ કરી હતી અને મનોજ તિવારીને ફરીથી ઉત્તર પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા હતાં.
ભાજપની બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવાર
- સાબરકાંઠા- ભીખાજી દુધાજી ઠાકોર
- અમદાવાદ પૂર્વ- હસમુખભાઈ સોમાભાઈ પટેલ
- ભાવનગર- નિમુબેન બાંભણીયા
- વડોદરા- રંજનબેન ધનંજય ભટ્ટ
- છોટા ઉદેપુર (ST)- જશુભાઈ ભીલુભાઈ રાઠવા
- સુરત- મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ
- વલસાડ (ST)- ધવલ પટેલ
11 માર્ચે ચૂંટણી સમિતિ બેઠક મળી હતી : ભાજપે આ પહેલાં 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ચૂંટણી પેનલે ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બીજી બેઠક સોમવારે મોડી રાત્રે નવી દિલ્હીમાં સમાપ્ત થઈ હતી. આ પહેલાં આગામી લોકસભા ચૂંટણી માટે 90 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા, ત્યારે આજે લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની બીજી યાદી જાહેર થઇ છે જેમાં કુલ 72 ઉમેદવાર જાહેર થયાં છે.
- LS Poll Candidates : પીએમ મોદી અને એચએમ અમિત શાહની હાજરીમાં ભાજપની બીજી યાદીના નામોની ચર્ચા, કેન્દ્રીય ચૂંટણી સમિતિ બેઠક સંપન્ન
- Semiconductor Plants : પીએમ મોદીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરાવ્યું, ધોલેરામાં કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવ રહ્યાં ઉપસ્થિત