ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ 'ભાજપ'નો આજે સ્થાપના દિવસ, 2થી 303 બેઠક સુધીની વિકાસ અને સંઘર્ષ ગાથા - BJP Foundation Day - BJP FOUNDATION DAY

આજે ભાજપનો સ્થાપના દિવસ છે. વર્તમાનમાં ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે પરંતુ વર્ષ 1984માં માત્ર 2 બેઠકો મળી હતી. ભાજપની 2થી 303 બેઠક સુધીની વિકાસ અને સંઘર્ષ ગાથા વિશે જાણો વિગતવાર. BJP Foundation Day 6th April 1984 2 seats 303 Seats Largest Political Party

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ 'ભાજપ'નો આજે સ્થાપના દિવસ
વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ 'ભાજપ'નો આજે સ્થાપના દિવસ

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 6:01 AM IST

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ 'ભાજપ'નો આજે સ્થાપના દિવસ

ગાંધીનગરઃ ભારતીય રાજકારણમાં 6 એપ્રિલ 1980નો દિવસ અત્યંત મહત્વનો છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. જનસંઘમાંથી ભાજપના નામે રોપાયેલું નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે 370થી આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો છે. એનડીએ માટે 400થી વધુ બેઠકનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ભાજપ ગુજરાતની દરેક બેઠક ઉપર 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કરી રહ્યો છે. જો કે એક વખતની લોકસભા ચૂંટણી એવી પણ હતી કે જ્યારે ગુજરાતમાં ભાજપને માત્ર 1 બેઠક જ મળી હતી.

1980માં સ્થાપનાઃ ભારતીય જનતા પક્ષ વર્ષ 1980માં અસ્તિત્વમાં આવ્યો, પરંતુ રાજકીય રીતે તેની વિચારધારા અને પૃષ્ઠભૂમિ આઝાદી પછીના પ્રારંભિક વર્ષો સુધી લંબાયેલ છે. વર્ષ 1951માં ભારતીય જન સંઘની સ્થાપના થઈ હતી. પાર્ટીએ 1952, '57, '62, '67 અને '71ની લોકસભા ચૂંટણીઓ લડી હતી. જેમાં પાર્ટીએ 3થી લઈને 22 બેઠક સુધીની સફર ખેડી હતી. આ દરમિયાન પાર્ટીના મતોની ટકાવારી 3 ટકાથી વધીને લગભગ 7.5 ટકા સુધી પહોંચી હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પછી પહેલી ચૂંટણી વર્ષ 1977માં યોજાઈ. જનતા મોરચાને 405માંથી 299 બેઠક મળી હતી. જેમાંથી 93 જનસંઘે જીતી હતી. જનતા મોરચા સરકાર આંતરિક વિરોધને કારણે તેનો કાર્યકાળ પૂર્ણ કરી શકી ન હતી.

1980માં મધ્યવર્તી ચૂંટણીઃ જનતા મોરચા સરકારનું પતન થતાં વર્ષ 1980માં મધ્યવર્તી ચૂંટણી આવી હતી. લોકસભા ચૂંટણી સમયે ઈન્દિરા ગાંધીનું સત્તામાં પુનરાગમન થયું હતું. જનતા પાર્ટીમાં ભગલાં પડવા લાગ્યાં અને પ્રવર્તમાન રાજકીય સ્થિતિએ ભાજપની સ્થાપનાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

કેવી રીતે પક્ષ રચનાનું બીજ રોપાયું?: 4થી એપ્રિલ 1980ના દિવસે જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. જે સભ્યો ચૌધરી ચરણ સિંહની સાથે અલગ નહોતા થયા, તેઓ આ બેઠકમાં સામેલ હતા. ચંદ્રશેખર જૂથ તથા અન્ય કેટલાક સમાજવાદીઓને લાગતું હતું કે જો જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા નેતા અને કાર્યકરો પાર્ટીમાં રહેશે તો તેઓ સંખ્યા અને પ્રભુત્વને આધારે પાર્ટી ઉપર કબજો કરી લેશે. જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ઠરાવ પસાર થયો હતો કે પાર્ટીના નેતાઓએ સંઘ સાથેના સંબંધ તોડી નાખવા. તેથી જનસંઘ અને આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને આંચકો લાગ્યો હતો. જ્યારે જનતા પાર્ટીનું ગઠન થયું હતું, ત્યારે આવી કોઈ શરત મૂકવામાં નહોતી આવી. જનતા પાર્ટીમાં તેઓ સૌથી મોટા વૈચારિક ઘટકદળ હતા. આમ છતાં તેઓએ મોરારજી સરકારમાં સંખ્યા પ્રમાણે ભાગીદારી નહોતી માગી.

2થી 370 બેઠક સુધીનો સંઘર્ષઃ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત ઝાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ભારતના રાજકારણમાં 2 બેઠકથી 370 બેઠક સુધીની પહોંચવા કમર કસી છે. રાષ્ટ્રવાદના હેતુ અને હાર્દ સાથે સ્થપાયેલી આ પાર્ટીએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપનાઃ જનતા પાર્ટીના નેતાઓના વલણને કારણે જનસંઘના નેતાઓને આંચકો લાગ્યો હતો. તેઓ પાસે સંગઠન અને સંસાધનોની તંગી હતી. જનસંઘના કાર્યકરોએ નવેસરથી શરૂઆત કરી. જનતા સરકારમાં પ્રધાન એવા લાલકૃષ્ણ અડવાણી અને વાજપેયી ઉપરાંત, નાનાજી દેશમુખ, ડૉ. મુરલી મનોહર જોશી, સુંદરસિંહ મલકાણી, કુશાભાઉ ઠાકરે, જના કૃષ્ણમૂર્તી, સુંદરલાલ પટવા, શાંતા કુમાર અને ભૈરોસિંહ શેખાવત જેવા નેતા સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા હતા અને પાર્ટીને નેતૃત્વ આપવા તૈયાર હતા. આ સિવાય સિકંદર બખ્ત, રામ જેઠમલાણી અને શાંતિ ભૂષણ જેવા નેતા પણ ભાજપમાં જોડાયા. આમ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. આજે ભાજપનો સુરજ મધ્યાહને તપે છે.

માત્ર 2 બેઠક પર વિજયઃ ઑક્ટોબર-1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. 67 દિવસમાં મતદાતાઓનો મિજાજ બદલાઈ ગયો અને લોકોમાં કૉંગ્રેસ તરફી જુવાળ ઊભો થયો. વિપક્ષ વિભાજિત હતો અને તેમની વચ્ચેના ગઠબંધન નહોતું થઈ શક્યું. ભાજપે 224 બેઠક લડી, જેમાં 100 કરતાં વધુ બેઠક પર પાર્ટી બીજા ક્રમે હતી અને તેને 7.75 ટકા જેટલા મત મળ્યા હતા. પરંતુ પાર્ટીનો માત્ર 2 બેઠક પર જ વિજય થયો હતો. ગુજરાતની મહેસાણાની બેઠક ઉપરથી ડૉ. એ. કે. પટેલે કૉંગ્રેસના સાગર રાયકાને પરાજય આપ્યો હતો. સાબરકાંઠા બેઠક પરથી એચ.એમ.પટેલ જીત્યા હતા. ચીમન શુક્લ, રતિલાલ વર્મા, અશોક ભટ્ટ, ગાભાજી ઠાકોર, આર.કે. અમીન અને જસપાલ સિંહ જેવા ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા.

કૉંગ્રેસને 26માંથી 24 બેઠક મળીઃ ગુજરાતમાં ત્યારે કૉંગ્રેસને 26માંથી 24 બેઠક મળી હતી. 92.3 ટકા બેઠક સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં પાર્ટીનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વર્ષ 1980ની લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 26માંથી 25 બેઠક મળી હતી. એ ચૂંટણીમાં મહેસાણાની બેઠક પરથી મોતીભાઈ ચૌધરી વિજેતા થયા હતા. લગભગ 96 ટકા સાથે કૉંગ્રેસનું તે અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બની રહ્યું છે.

શિસ્ત, સંગઠન અને વિકાસનો સિદ્ધાંતઃ કૃષ્ણકાંત ઝાએ વધુમાં જણાવ્યું કે વર્ષ 1980 થી 1995 સુધીના વર્ષોમાં કાર્યકર્તાઓએ ખૂબ પરસેવો પાડીને પાર્ટીને ઊભી કરી છે. આ પરસેવાના પરિણામે આજે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. શ્યામાપ્રસાદ મુખરજીથી લઈને નરેન્દ્ર મોદી સુધીનું નેતૃત્વ આ પક્ષને મળ્યું છે. શિસ્ત સંગઠન અને વિકાસ ના સિદ્ધાંત પર દેશના ખૂણે ખૂણે પોતાની સુગંધ ફેલાવી છે.

1984ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ 1984ની લોકસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ. સહાનુભૂતિની લહેર અને KHAM સમીકરણને કારણે પાર્ટીને 182માંથી 149 બેઠક મળી. આ પહેલાં વર્ષ 1980ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 140 બેઠક મળી હતી. રાષ્ટ્રીયસ્તરે કૉંગ્રેસને 491માંથી 404 બેઠક ઉપર વિજય મળ્યો હતો. સીપીએમને 22, જનતા પાર્ટીને 10, સીપીઆઈને છ, ઇન્ડિયન કૉંગ્રેસને (સોશિયાલિસ્ટ) ચાર અને લોકદળને ત્રણ બેઠક મળી હતી. એક વર્ષ બાદ ડિસેમ્બર-1985માં આસામ-પંજાબમાં અલગથી ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસને 10, આઈસીએસને એક, પ્રાદેશિક પક્ષોને આઠ તથા અપક્ષોને આઠ બેઠક મળી હતી. ભાજપ તેનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. પાર્ટીના અધ્યક્ષ અટલબિહારી વાજપેયી ગ્વાલિયરની બેઠક ઉપર માધવરાવ સિંધિયા સામે હારી ગયા હતા. હાલમાં માધવરાવના દીકરા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં છે અને મોદી સરકારમાં મંત્રી પણ છે.

1985માં વાજપાઈના નેતૃત્વમાં કાર્યકારિણી બેઠકઃ 15-17 માર્ચ 1985માં બૉમ્બે ખાતે વાજપેયીના નેતૃત્વમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. જેમાં વાજપેયીએ પક્ષના અધ્યક્ષ તરીકે લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજયની જવાબદારી સ્વીકારી અને પાર્ટી જે સજા આપે તે ભોગવવાની તૈયારી દાખવી. વર્ષ 1989માં ભાજપના ટેકાથી કેન્દ્રમાં વીપી સિંહની સરકાર બની હતી. જેનું ટૂંક સમયમાં પતન થયું હતું.

1996માં વાજપાઈ વડાપ્રધાન બન્યાઃ વર્ષ 1996માં ભાજપના નેતૃત્ત્વવાળા એનડીએ ગઠબંધનના ઉમેદવાર વાજપાયી વડા પ્રધાન બન્યા, પરંતુ વિશ્વાસમત પુરવાર ન કરી શકવાને કારણે માત્ર 13 દિવસમાં તેમની સરકારનું પતન થયું. વર્ષ 1998માં ભાજપના નેતૃત્ત્વમાં એનડીએ યુતિ ફરી સરકારમાં આવી. વાજપેયી લગભગ 13 મહિના માટે સત્તા ઉપર રહ્યા અને તેમની સરકાર રાજકીય અસ્થિરતાનો ભોગ બની.

1999માં ફરીથી સત્તાધીશ પક્ષઃ વર્ષ 1999માં લગભગ એટલા જ સંખ્યાબળ સાથે ભાજપ ફરી સત્તા ઉપર આવ્યો. વાજપાયીના નેતૃત્વમાં એનડીએએ તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો. પહેલી બિનકૉંગ્રેસી અને પહેલી યુતિ સરકારનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવાનો શ્રેય વાજપાયીને મળ્યો. વર્ષ 2004 અને 2009માં ભાજપનો પરાજય થયો. સોનિયા ગાંધીના નેતૃત્વવાળી યુપીએએ સત્તાના સૂત્ર સંભાળ્યા. જેમાં ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા.

2014માં પૂર્ણ બહુમતની ભાજપ સરકારઃ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત ઝાએ ગાંધીનગરમાં ભાજપની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે, ગાંધીનગરમાં 1 જાહેર સભા કરવી હોય તો ભાજપને ખૂબ તકલીફ પડતી હતી. જાહેર સભામાં માંડ માંડ હજાર 2000 લોકો એકત્ર થતા હતા. આજે ભાજપની સભામાં લાખોની મેદની ઉમટી પડે છે. વર્ષ 1984 પછી વર્ષ 2014માં પહેલી વખત કેન્દ્રમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી અને તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. વર્ષ 2019માં ફરી એક વખત બિનકૉંગ્રેસી સરકારે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો.

2024ની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજરઃ 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક પર સામાન્ય ચૂંટણી યોજાશે. એ સાથે જ વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ચોથી જૂનના રોજ દેશમાં કોણ નવી સરકાર બનાવશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

  1. Loksabha Election 2024: અપેક્ષા પ્રમાણેની પ્રથમ યાદી જાહેર કરી 'સબ સલામત' છે નો સંકેત આપતો ભાજપ
  2. Anand Loksabha Seat: આણંદ બેઠક પર ભાજપે ફરી મિતેષ પટેલને કર્યા રિપિટ, 2019માં કોંગ્રેસના કદાવર નેતાને 1.97 લાખ મતથી હરાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details