અમદાવાદ: ભારત રત્ન અટલ બિહારી વાજપેયી દેશના સૌથી લોકપ્રિય રાજનીતિજ્ઞ પૈકીના અગ્રણી હતા. અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ 25, ડિસેમ્બર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના દેશ નિર્માણના યોગદાન માટે સુશાસન દિવસ જાહેર કર્ચો છે. જેના થકી દેશ અટલ બિહારી વાજપેયીના દેશ નિર્માણ માટેના વિચારો અને યોગદાનને યાદ કરી દેશ નિર્માણમાં જોડી શકાય. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ગુજરાત સાથે અનેરો સંબંધ રહ્યો હતો. જાણો ગુજરાત અટલ બિહારી વાજપેયી માટે બીજું કેમ કહેવાતુ.
1960 થી 1980 સુધી અટલ બિહારી વાજપેયી માટે ગુજરાત મહત્વનું રાજકીય કેન્દ્ર રહ્યું હતુ
અટલ બિહારી વાજપેયી દેશના સૌથી ચહિતા રાજકારણી, કવિ અને પ્રખર વક્તા હતા. અટલ બિહારી વાજપેયી દેશના 10માં વડાપ્રધાન હતા. જેઓ એ વિવિધ ત્રણ સત્ર દરમિયાન દેશના પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ કર્યું હતુ. પોતાની પાંચ દાયકાથી વધુ સમયની રાજકીય જીવન યાત્રા દરમિયાન અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સાંસદ અને બે ટર્મ રાજ્યસભાના સભ્ય પદે રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી 1996માં ગાંધીનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા અને દેશના સિમિત સમય માટે વડાપ્રધાન બન્યા હતા. ગુજરાત સાથે અટલ બિહારી વાજપેયીનો સંબંધ અનેરો રહ્યો હતો. અટલ બિહારી વાજપેયી ગુજરાતની મુલાકાતોનો સિલસિલો જનસંઘની રચના પહેલાથી રહ્યો હતો. 1960માં પહેલી વાર જનસંઘે ગુજરાતની બોટાદ અને માણાવદર ખાતે બહુમતી પ્રાપ્ત મળવાથી અટલ બિહારી વાજપેયી ખુશ થયા હતા. 1968માં કચ્છના છડા બેટ પાકિસ્તાનને સોંપવાના નિર્ણય સામે અન્ય જનસંઘના સાથીઓ સાથે અટલ બિહારી વાજપેયી પણ હતા. અટલ બિહારી વાજપેયી ત્યારે કચ્છના નાના ગામમાં ફરી પોતાની વકૃત્વ કળાથી ગ્રામવાસીઓને જાગૃત કર્યા હતા,
પદ્મશ્રી અને લેખક વિષ્ણું પંડ્યાએ જણાવ્યું વાજપેયીજીના ગુજરાત સાથે સંબંધ વિશે (Etv Bharat Gujarat) જનતા પક્ષની સરકારથી છુટા થવાનો નિર્ણય અટલ બિહારી વાજપેયી એ અમદાવાદમાં લીધો હતો
દેશમાં કટોકટી બાદ કોંગ્રેસની મોટી હાર થઈ અને જનતા મોરચા સરકાર સત્તામાં આવી હતી. અટલ બિહારી વાજપેયી એ સરકારમાં વિદેશ મંત્રી હતા. તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે અટલ બિહારી વાજપેયી કેટલાક નિર્ણયો થી ભિન્ન મત ધરાવતા હતા. 1977માં રચાયેલી જનતા સરકારમાં વડાપ્રધાન બનવાની તાલાવેલીમાં સતત રાજકીય કાવાદાવા થતા રહેતા, જેથી કંટાળીને અટલ બિહારી વાજપેયી મંત્રી તરીકે રાજીનામું આપવાનો મનસુબો બનાવી ચૂક્યા હતા. એવું કહેવાય છે કે, એ સમયે અટલ બિહારી વાજપેયી અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવ્યા અને એ જ દિવસે તેમણે જનસંઘ એ સમયની જનતા સરકારને છોડે છે એ નિર્ણય જણાવ્યો હતો. અટલ બિહારી વાજપેયીના એ નિર્ણયથી દેશમાં રાજકીય આંધી સર્જાઈ હતી અને ત્યાર બાદની દેેશની રાજકીય સ્થિતિ પલટાઈ હતી. આ સમયે પક્ષમાં જનસંઘ અને જનતા પાર્ટીના વિલીનીકરણની ચર્ચા ચાલતી અને એ થયું પણ ખરું. 1980માં દેશમાં કોંગ્રેસને માત આપી શકે એવો રાષ્ટ્રીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની રચના થઈ જે ભાજપના નામે જાણીતો રાજકીય પક્ષ છે.
1996માં અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ બન્યા હતા
1996ની લોકસભાની ચૂંટણી સમયે એલ. કે. અડવાણીનું નામ હવાલા કૌભાંડમાં આવ્યું. જેના કારણે અડવાણીએ જ્યાં સુધી પોતે હવાલા કૌભાંડમાં સ્વચ્છ છે એ જાહેર નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડવા માટે નિર્ણય કર્યો. આ ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીએ લખનઉ બેઠક સાથે ગુજરાતની ભાજપની સૌથી સેફ સીટ ગાંધીનગરથી અટલ બિહારી વાજપેયીએ ઉમેદવારીપત્રક નોંધાવાના છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના અટલ બિહારી વાજપેયીની સામે કોંગ્રેસે પોપટલાલ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીને મતદારોએ 3.24 લાખ મતો આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, અને અટલ બિહારી વાજપેયીનો વિજય 1.89 લાખ મતોની સરસાઈ થી થયો હતો. 1996ની આ ચૂંટણી અટલ બિહારી વાજપેયીએ લખનઉથી પણ જીતી હતી. લખનઉ વાજપેયીની પરંપરાગત બેઠક હોવાથી તેઓએ ગાંધીનગર બેઠક છોડી હતી, ત્યાર બાદની પેટા ચૂંટણીમાં ભાજપના વિજય પટેલનો વિજય થયો હતો.
અટલ બિહારી વાજપેયીએ 2001માં નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી બનવાના સમાચાર આપ્યા હતા
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2001માં ગુજરાતમાં કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનવાના સમાચાર અટલ બિહારી વાજપેયીએ આપ્યા હતા. કહેવાય છે કે,અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદીનો હંમેશાથી ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કવિ ર્હદય અટલ બિહારી વાજપેયીને ટાંકે છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001માં જ્યારે તેઓ પક્ષના સંગઠન સાથે સંકળાયેલા હતા ત્યારે પૂર્વ કોંગ્રેસી નેતા માધવરાવ સિંધિયા સાથે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર ફોટો જર્નાલિસ્ટ મિત્રના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં હતા. આ સમયે કેન્દ્રમાં એનડીએની સરકાર વાજપેયીના નેતૃત્વમાં હતી. મિત્રના અંતિમ સંસ્કારના સમયે જ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે અટલ બિહારી વાજપેયીએ ફોન કર્યો હતો.બસ, અટલ બિહારી વાજપેયીના એક કોલ થકી ગુજરાતની ગાદી નરેન્દ્ર મોદીને મળી હતી. આ પ્રસંગ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં કરી હતી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સળંગ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણી જીતી ગુજરાતના મુખ્યમંત્રી અને 2014થી 2024 સુધી સળંગ ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી બન્યા છે.
રાજધર્મ કા પાલન કરો - અટલ બિહારી વાજપેયીની સલાહ, અને ગુજરાતમાં બદલાયું રાજકીય ચિત્ર
ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવેલા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી રાજ્યની પરિસ્થિતિથી ખુબ વ્યથિત હતા. દિલ્લી પરત થતા અગાઉ અમદાવાદ એરપોર્ટ પર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો, કે આપનો મુખ્યમંત્રી માટે શું સંદેશ છે ? આ પ્રશ્નના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ વિચારીને કહ્યું હતુ કે, મુખ્યમંત્રી માટે મારો ફક્ત એક જ સંદેશ છે. એ રાજ ધર્મનું પાલન કરે. કવિ હૃદય પ્રધાનમંત્રીનો આ સંદેશ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશને સોંસરો ઉતર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સાથે બેઠેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાજપેયીની વાતની વચ્ચે કહ્યું હતુ કે, અમે પણ એ જ કરીએ છીએ સાહેબ. આ સાંભળીને વાજપેયીએ ઉમેર્યું હતુ કે, નરેન્દ્રભાઈ આ જ કરી રહ્યાં છે. આ સંવાદે રાજ્યની તત્કાલીન પરિસ્થિતિને બદલવાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્યામ બેનેગલ પંચમહાભૂતમાં વિલીન થયાં, લોકોએ ભીની આંખે આપી સિનેમાના જાદૂગરને અંતિમ વિદાઈ
પ્રયાગરાજ મહાકુંભ: જાતે ભોજન તૈયાર કરે છે, બધા નથી બની શકતા સંત, જાણો અગ્નિ અખાડાની ખાસ પરંપરાઓ