કચ્છ :માધાપર ગામના માનવીબેન સાથે ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો છે. મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન કે, તેમના પાર્સલમાં ડ્રગ્સ-ડોલર અને નકલી પાસપોર્ટ મળ્યા છે. ઉપરાંત મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું જણાવી ઓનલાઈન રૂ. 96,776ની છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે, સાયબર ક્રાઈમ સેલે આ રકમ ફ્રિઝ કરાવી મહિલાને પરત અપાવી હતી.
ડિજિટલ એરેસ્ટનો કિસ્સો :સાયબર ક્રાઇમ સેલમાંથી મળતી વિગતો મુજબ માધાપરના ગૃહિણી માનવીબેનને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારું પાર્સલ ફેડએક્સ કુરિયરમાંથી પરત થયું છે. જો તમે કસ્ટમર કેરમાં વાત કરવા માંગતા હોવ તો 2 નંબર દબાવીને વાત કરી શકો છો. વધુમાં જણાવ્યું કે, પાર્સલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. તેમાં MD ડ્રગ્સ, હાર્ડ ડ્રાઈવ, ડોલર તથા નકલી પાસપોર્ટ છે. આ બાબતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં મહિલા વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી :કસ્ટમર કેરના સ્ટાફે મહિલાને વધુમાં જણાવ્યું કે, જો આ પાર્સલ મહિલાએ મંગાવ્યું ન હોય તો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને રૂબરૂ રજૂઆત કરી શકે છે. આ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી એક વ્યકિતએ મહિલાને જણાવ્યું કે, આ પાર્સલ તમારા નામે ઈરાનના શેખે મોકલ્યું છે. જેમાં ડ્રગ્સ, નકલી પાસપોર્ટ, ડોલર અને હાર્ડ ડ્રાઇવ મળી આવી છે. સાથે જ સ્કાયપ પર વિડીયો કોલમાં ખોટું આઈકાર્ડ તથા બનાવટી FIR પણ બતાવી.