ભાવનગરઃ આજે દરેક મનુષ્ય રોજબરોજ જે રીતે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરે છે તેનાથી આગામી પેઢીને ભયાનક ખતરો છે. હ્યુમન બોડીથી લઈને સીફૂડમાં પ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે. પ્લાસ્ટિકના આ વધતા ખતરા સંદર્ભે જાગૃતિ માટે ભાવનગરના ડૉક્ટર તેજસ દોશી દ્વારા મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરાયું. ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં Plastic The Terrerist of Next Generation શીર્ષક હેઠળ આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એટલું જ નહિ પરંતુ પ્લાસ્ટિક નહિવત વાપરવા માટે શપથ પણ લીધા.
આજનો વિષય પ્લાસ્ટિક ધ ટેરેરિસ્ટ ઓફ નેક્સ્ટ જનરેશન હતો. મિત્રો આપણી જનરેશનને વાંધો નહિ આવે પણ જે રીતે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકે ભરડો લીધો છે તે ખતરનાક છે. હ્યુમન બોડી, એનિમલ અને સી ફૂડમાં માઈક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે. આ પેન છે તો રીફીલ બદલો પેન નહીં, શાકભાજી લેવા જાવ તો કાપડની થેલી વાપરો. આમ બદલાવ કરવો પડશે. રોજ ક્રૂડનો ચાર ટકાનો જથ્થો પ્લાસ્ટિક બનાવવામાં વપરાય છે, જેથી સરકારો પણ રિસાયકલ કરવા તરફ આગળ વધી રહી છે...ડૉ. તેજસ દોશી (તબીબ અને સામાજીક કાર્યકર, ભાવનગર)
અભ્યાસક્રમમાં પ્લાસ્ટિક નાબુદીઃ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી પાસ આઉટ થનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં કોઈ અધિકારી અથવા તો શિક્ષણ જગતમાં ફરજ નિભાવશે. જો તેઓ પ્લાસ્ટિકના જોખમથી અવેર હશે તો આ જાણકારી આગળ પહોંચાડશે. તેથી આજે આ સેમિનારનું આયોજન શિક્ષણશાત્ર ભવનમાં કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્લાસ્ટિક નાબુદીને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાની રજૂઆત પણ કરવામાં આવી.