ભરૂચ: ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી ચાર કર્મચારીઓના મોત થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટના
દહેજના GFL કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયો હતો તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા. બનાવની જાણ થતા જ SDM અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SDMએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે.
મૃતકોના પરિજનોને કંપની 25 લાખ આપશે
ઘટના બાદ GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એમ. પાટીદારે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે, ગુજરાત 'ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL)' ના પ્રોડક્શન યુનિટમાં કામદારો પાઇપમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે બેભાન થઈ ગયા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન કર્મચારીઓના મોત
ચાર કર્મચારીઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણનું રવિવારે વહેલી સવારે 3 વાગ્યે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એકનું સવારે 6 વાગ્યે મૃત્યુ થયું હતું. પોલીસે કહ્યું કે, આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કંપનીના CMS પ્લાન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી પસાર થતી પાઇપમાંથી ગેસ લીકેજ થતાં ચાર કર્મચારીઓ બેભાન થઇ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચારેયના મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો:
- કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.2ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો
- સુરતમાં 31stની ઉજવણીને લઈને પોલીસ સતર્ક, 4000 પોલીસકર્મી તૈનાત રહેશે, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ