ભરૂચ: અંકલેશ્વરની એક કંપનીમાં રવિવારે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશ્યલ સેલને સંયુક્ત ઓપરેશનમાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેઈન મળી આવ્યું હતું. અંકલેશ્વરની કંપનીમાંથી મળી આવેલા કોકેઈનની કિંમત 5000 કરોડ રૂપિયા સુધીની આંકવામાં આવી રહી છે. આ કંપનીના 3 ડિરેક્ટર અને 2 કેમિસ્ટને ધરપકડ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અંકલેશ્વરની કોર્ટમાંથી બે દિવસના ટ્રાન્સઝીટ રિમાન્ડ મળતા આરોપીઓને દિલ્હી પોલીસ લઈને રવાના થઈ છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 13 દિવસમાં ડ્રગ્સનું આ ત્રીજું મોટું કન્સાઈન્મેન્ટ રિકવર કરવામાં આવ્યું છે.
13 દિવસમાં 13000 કરોડનું ડ્રગ્સ પકડાયું
દિલ્હી પોલીસે કોકેઈન DRUGS બનાવી સપ્લાય કરતી અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ₹5000 કરોડનુ ત્રીજું કંસાઈમેન્ટ GPSની મદદથી પકડી પાડ્યું હતું. છેલ્લા 13 દિવસમાં ડ્રગ્સનું આ ત્રીજું મોટું કન્સાઈનમેન્ટ પકડાયું છે. ત્રણેય કન્સાઈનમેન્ટ એક જ સિન્ડિકેટના હોવાનું કહેવાય છે. પોલીસે અત્યાર સુધીમાં જપ્ત કરેલા ડ્રગ્સની કિંમત ₹ 13000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ સિન્ડિકેટના વધુ ઘણા સ્થળો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસ દેશના અન્ય ઘણા રાજ્યોમાં દરોડા પાડી શકે છે અને આ ડ્રગ્સ સિન્ડિકેટના દાણચોરો સામે કાર્યવાહી કરી શકે છે.
વાહનમાં લગાવેલા GPSથી સામે આવ્યું રેકેટ
જ્યારે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મહિપાલપુર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, ત્યારે ત્યાં અટકાયતમાં લેવાયેલા એક વ્યક્તિએ પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસને એક વાહનનો નંબર આપ્યો હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, આ નંબરવાળું વાહન દિલ્હીમાં કોકેઇન લાવવાનું હતું. પોલીસે ટ્રેક પરના વાહનના નંબરની તપાસ કરતાં વાહનમાં GPS ફીટ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. GPSની મદદથી રમેશ નગરમાં આવેલી દુકાનનું લોકેશન જાણવા મળ્યું હતું. જ્યાં આ સિન્ડિકેટનું બીજું મોટું કન્સાઈનમેન્ટ છુપાવવામાં આવ્યું હતું.