ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાલકા તીર્થ ક્ષેત્ર : જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો, "હરી અને હર" ભૂમિની રસપ્રદ કથા - Janmashtami 2024 - JANMASHTAMI 2024

પ્રભાસ તીર્થ ક્ષેત્ર હરી અને હરની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં એક તરફ સોમનાથ મહાદેવ, તો બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું અંતિમ સ્થાન ભાલકા તીર્થ છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો અને બાળપણ ગોકુળમાં વિત્યુ. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં દેહ છોડ્યો હતો. આજે જન્માષ્ટમીના પાવન પર્વે જુઓ કૃષ્ણ લીલા સાથે સંકળાયેલ ભાલકાતીર્થ દેહોત્સવ ભૂમિનો વિશેષ અહેવાલ

ભાલકા તીર્થ ક્ષેત્ર
ભાલકા તીર્થ ક્ષેત્ર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2024, 12:27 PM IST

ગીર સોમનાથ : આજે ભગવાન શ્રી હરિનો 5250 મો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાનો ઉલ્લેખ સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો, બાળપણ ગોકુળમાં પસાર થયું. શ્રીકૃષ્ણએ દ્વારકા પર રાજ કર્યું અને અંતે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ પ્રભાસ પાટણમાં દેહ છોડ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું અંતિમ સ્થાન ભાલકાતીર્થ છે, જ્યાં શ્રીકૃષ્ણએ દેહ છોડ્યો હતો. તે દેહોત્સર્ગ ધામ આજે વૈષ્ણવો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

શ્રીકૃષ્ણનો દેહત્યાગ :ભાલકા તીર્થ ક્ષેત્રનું કૃષ્ણ લીલા સાથે ખૂબ જ ધાર્મિક મહત્વ જોડાયેલું છે. યાદવોના પરસ્પર સંહાર પછી ખીન્ન થઈને શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ ક્ષેત્રમાં પીપળના વૃક્ષ નીચે યોગ સમાધિમાં સુતા હતા. ભગવાન શ્રીકૃષ્ણની યોગ સમાધિને ભૂલથી મૃગ માનીને જરા નામના પારધીએ બાણ છોડ્યું, જે શ્રીકૃષ્ણના પગના તળિયાને વીંધીને કાયામાંથી આરપાર નીકળી ગયું.

"હરી અને હર" ભૂમિની રસપ્રદ કથા (ETV Bharat Gujarat)

દેહોત્સર્ગ ધામ-ભાલકા તીર્થ :મૃગનો શિકાર કર્યો છે તેવું સમજીને જરા પારધી સ્થળ પર આવ્યો ત્યારે યોગ મુદ્રામાં આરામ કરી રહેલા ભગવાન શ્રીકૃષ્ણને જોઈને પારધીએ અપરાધની ક્ષમા માંગી હતી. ક્ષમા આપતા ભગવાન શ્રીકૃષ્ણએ જરા પારધીને એવા વચન કહ્યા કે, આજે થયું છે તે તેમની સ્વયંમ ઈચ્છાથી થયું છે. તેમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ પરમધામમાં પ્રયાણ કરી ગયા. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડના 353 ના અધ્યાયમાં ઉલ્લેખ છે કે, મને બાણ વડે પગના તળિયામાં અહીં જરા પારધીએ વીંધ્યો છે, માટે આ તીર્થ ભાલકા તીર્થના નામથી વિખ્યાત થશે.

બાણ ગંગા અને શશીભૂષણ દેવનું મંદિર :ભગવાન શ્રીકૃષ્ણ ભાલકા તીર્થ નજીક આરામ કરી રહ્યા હતા. ત્યારે દરિયાકાંઠે આવેલા બાણ ગંગા મહાદેવ મંદિરથી જરા પારધીએ બાણ છોડ્યું હતું, જેથી આ સ્થળ બાણ ગંગા તરીકે જાણીતું છે. અહીં ત્રિવેણી સંગમ પાસે નદીના કાંઠે ભગવાન શશીભૂષણ મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ ભાલકા તીર્થમાં મહા સમાધિમાં લીન થયા બાદ તેમના પાર્થિવ દેહની અંતિમવિધિ શ્રી દેહોત્સવ ખાતે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.

દેહોત્સર્ગ ધામ-ભાલકા તીર્થ (ETV Bharat Gujarat)

શિવ-પાર્વતી સંવાદમાં દેહોત્સર્ગ ધામની ચર્ચા:સ્કંધ પુરાના પ્રભાસખંડમાં મહાદેવ અને માતા પાર્વતીના સંવાદ રૂપે એક લોકવાયકા જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ તીર્થોથી ભરેલી દ્વારકા નગરી છોડીને દેહત્યાગ માટે પ્રભાસ તીર્થ ક્ષેત્ર કેમ આવ્યા ? માતા પાર્વતીના આ સવાલના જવાબમાં મહાદેવે ઉત્તર આપતા જણાવ્યું કે, કરોડો તીર્થ છે, પરંતુ પ્રભાસ તીર્થ ક્ષેત્ર અસંખ્ય ગુણોથી ભરેલું છે. આ ક્ષેત્ર બ્રહ્મત્વ, વિષ્ણુત્વ અને રુદ્રત્વ એ ત્રણેય તત્વોથી ભરેલું છે. આ ત્રણેય તત્વો એક સાથે બીજા તીર્થોમાં પ્રાપ્ત થતા નથી. બ્રહ્મા 24 તત્વો, નારાયણ 25 તત્વો અને રુદ્ર 26 તત્વો સાથે પ્રભાસતીર્થ ક્ષેત્રની ભૂમિમાં વસેલા છે. જે પંચ મહાભૂતોના તીર્થ પણ અહીં જ છે. આ કારણથી ભગવાન શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ માટે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિને પસંદ કરી હતી.

  1. ડાકોરમાં રાજાધિરાજનો જન્મોત્સવ મનાવાની તૈયારીઓ
  2. ઉપલેટાના દેવરાજ ગઢવીની વાણીએ સાંભળો કૃષ્ણ લીલા

ABOUT THE AUTHOR

...view details