બનાસકાંઠા:જિલ્લાના સરહદી વાવ તાલુકાના યાત્રાધામ અને મીની દ્વારકા તરીકે ઓળખાતું ઢીમા ગામે બુધવારના રોજ સવારમાં 5:00 વાગેથી લઈને સાંજ સુધી ભવ્ય મોટો ભાદરવાની પૂનમનો લોકમેળો યોજાયો હતો. જેમાં હજારો યાત્રાળુ સવારથી દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જોકે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉંમટી પડતા પોલીસ પ્રશાસન પણ ખડે પગે રહ્યું હતું. ધરણીધર ભગવાનના દર્શન માટે મંદિરમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
યાત્રાધામ ઢીમામાં ભક્તોનું ઘોડાપૂર: જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. ભાદરવા મહિનાની પૂનમને લઈને હજારો યાત્રાળુ પગપાળા યાત્રા કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વાવના યાત્રાધામ ઢીમામાં યાત્રાળુ એટલી સંખ્યામાં ઉમટી પડી કે ગામની શેરીઓ સાંકડી થઈ ગઈ હતી.
યાત્રિકોની સંખ્યામાં સતત વધારો: બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં ભાદરવા મહિનાની પૂનમ ભરવા યાત્રાળુઓની દિનપ્રતિદિન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય મોટા બે યાત્રાધામોમાં એક અંબાજી અને બીજું મીની અંબાજીથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલું સરહદી વિસ્તારમાં આવેલું ધરણીધર ભગવાનના ઢીમાધામમાં આ બંને જગ્યાએ યાત્રિકોનું ઘોડાપુર લાખોની સંખ્યામાં જોવા મળ્યું હતું. યાત્રિકોની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે.
યાત્રાળુઓ માટે કેમ્પોનું આયોજન: યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી હજારો કિલોમીટર થી પગપાળા તેમજ દંડવંત પ્રણામ કરતા લોકો પોતાની બધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા દર પૂનમના દિવસે આવી પહોંચતા હોય છે. આવનાર યાત્રાળુઓ માટે દાતાઓ દ્વારા રસ્તાઓમાં ઠેર ઠેર વિસામો અને કેમ્પોનું આયોજન થકી ચા-પાણી નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થાઓ કરેલી છે. આ રસ્તાઓ પરના વિવિધ કેમ્પોમાં ચા પાણી અને નાસ્તો કરીને ધર્મ પ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે ભાવવિભોર થઈને ધરણીધર શામળીયા ભગવાનના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.