બનાસકાંઠા: 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા...' આ ઉક્તિ એટલે બોલાય છે કે જો શિક્ષક ધારે તો કંટાળાજનક લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે કે, જે વિષયમાં બાળકોને 50 ટકા માર્ક્સ પણ ન આવતા હોય તે વિષયમાં બાળકો 95 થી 100 ટકા માર્ક્સ મેળવતા થઈ જાય છે. જી હા ! એક કાલ્પનિક વાર્તા જેવી લાગતી આ કહાની બનાસકાંઠાની ચાંગા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે.
સોશિયલ સાયન્સની પ્રયોગશાળા:આપ જે જોઈ રહ્યા છો કે તે કોઈ ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવતું એકઝીબિશન નથી પરંતુ આ છે અનોખી પ્રયોગશાળા.. જી હા ! આપે બરાબર જ સાંભળ્યું છે. આ પ્રયોગશાળા છે તે પણ સાયન્સની નહીં પણ સોશિયલ સાયન્સની. અહીં બાળકો પ્લે કાર્ડ, મેજિક કાર્ડ, સાપ સીડી, પાસા જેવી અનેક વિવિધ રમતો રમતા ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાનના આખા સિલેબસને સરળતાથી યાદ કરી લે છે. શિક્ષિકા પન્હાજબેનની બાળકોને ભણાવવાની સ્ટાઈલ અન્ય શિક્ષકો કરતા કંઈક અલગ જ છે.
કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પન્હાજબેન મૂળ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે. તેઓએ વર્ષોના પોતાના શિક્ષણ અનુભવ પરથી તારણ કાઢ્યું કે, સામાજિક વિજ્ઞાનમાં ઐતિહાસિક ઘટનાની તારીખ, મહાનુભાવોના નામ, નકશો, કલાકૃતિઓ, જુદી જુદી સંસ્કૃતિઓ આ બધું જ ધોરણ 6 થી 8 ના બાળકોને યાદ રાખવું અઘરું પડતું હતું. જેના કારણે સામાજિક વિજ્ઞાનના વિષયમાં બાળકોને ઓછી રુચિ પડતી હતી.
વિષય બનાવ્યો રસપ્રદ: પરિણામે વર્ગખંડમાં હાજરી પણ 70થી 75 ટકા જ રહેતી હતી અને તેમના વિષયનું પરિણામ પણ 50 ટકાથી ઉપર જતું નહતું. તેથી પન્હાજબેને ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાનના આખે આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજીત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દિધો. જેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દિધો. પરિણામે આજે બાળકો ક્લાસમાં સાંપ સીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ રમત રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે.
શિક્ષિકા પન્હાજબેન પોલરા પોતાના શાળા સમય બાદ ઘરે દરેક પાઠને સરળતાથી કઈ રીતે ભણાવી શકાય તેની વિશેષ તૈયારી કરે છે. વર્ષ 2020થી તેઓએ દર મહિને પોતાના પગારમાંથી 10 થી 15 હજાર રૂપિયા ખર્ચી કુલ 3 લાખ રૂપિયાની માતબર ખર્ચે આ આખી પ્રયોગશાળા ઊભી કરી છે.