બનાસકાંઠા: જિલ્લાના વિભાજનને બાબતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. અહીં ગેનીબેન ઠાકોરનું ઓગડ જિલ્લાને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે. ઉપરાંત બનાસકાંઠાના ત્રણ ભાગ કરો તે પ્રકારનું પણ નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સ્થાનિક જન પ્રતિનિધિ અને સ્થાનિક લોકોને સાંભળવા ખૂબ જ જરૂરી છે.
ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન:બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠાના ત્રણ તાલુકામાં વિરોધના સુર ઊઠ્યા છે. છેલ્લા દસ દિવસથી દિયોદર વાસીઓ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવા અને કાંકરેજવાસીઓ અને ધાનેરાવાસીઓ બનાસકાંઠામાં જ રહેવા માટેની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઓગડ જિલ્લાને સમર્થન આપતું નિવેદન આપ્યું છે. તેમણે ઓગડ સમિતિનું આવેદનપત્ર સ્વીકરી, આ મુદ્દે આગામી દિવસોમાં તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, 'બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે સરકારે નિર્ણય લીધો છે.'
ગેનીબેન ઠાકોરે કહ્યું કે,"અગાઉની સરકારે ત્રણ તાલુકાવાળા પણ જિલ્લા બનાવ્યા છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટા બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને દિયોદર એમ બે અલગ અલગ જિલ્લા બનાવ્યા હોત અને સ્થાનિક લોકોને સાંભળીને નિર્ણય લીધો હોત તો આજે કાંકરેજ કદાચ દિયોદર ઓગડ જિલ્લો બનતા બનાસકાંઠામાં જવાનું ન વિચારતું હોત."
ભાજપ નેતાઓને આડેહાથ લીધા:આમ, ગેનીબેન ઠાકોરનું માનીએ તો ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના થરાદ, દિયોદર અને ઓગડ એમ ત્રણ જિલ્લા બનાવવા જરૂરી હતા તે પ્રકારનું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે ભાજપ નેતાને આડેહાથ લેતા એટલા સુધી કહી દીધું છે કે, એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણયથી આખા જિલ્લાને ખેદાન મેદાન કરી નાખ્યો છે અને લોકોની લાગણીઓને ગ્રાહ્ય નથી રાખી.