ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનેરા પાલિકાની કામગીરીનો ધબડકો : ત્રણ ઈંચ વરસાદમાં જળબંબાકાર, બાજરીના પાકને ભારે નુકસાન - Banaskantha rain

બનાસકાંઠાના ધાનેરામાં અંદાજિત 3 ઇંચ કરતા વધુ વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. સ્થાનિક લોકોમાં પાલિકાની કામગીરી બાબતે આક્રોશ જોવા મળ્યો છે. બીજી બાજુ સરહદી પંથકમાં વાવ, થરાદ, સુઈગામમાં ભારે પવનના કારણે ચોમાસુ વાવણી કરેલ બાજરીનો પાક ઢળી પડ્યો છે.

ધાનેરા પાલિકાની કામગીરીનો ધબડકો
ધાનેરા પાલિકાની કામગીરીનો ધબડકો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 9:44 AM IST

બનાસકાંઠા : ધાનેરામાં માત્ર 3 ઇંચની આસપાસ જ વરસાદ પડ્યો છે, છતાં બજારમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું છે. સાથે જ વલાણી બાગ, ઉમિયાનગર, તુલસીનગર જેવી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. નીચાણ વાળા ઘર સુધી પાણી પહોંચ્યા છે.

ધાનેરામાં ત્રણ ઈંચ વરસાદમાં જળબંબાકાર (ETV Bharat Gujarat)

ધાનેરા જળબંબાકાર :બનાસકાંઠાના સરહદી પંથકમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સરહદી પંથકમાં ધોધમાર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ધાનેરામાં સરકારી કચેરી આગળ પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નેનાવા હાઇવે પર જાણે નદી વહેતી હોય તેમ સ્વરૂપ ધારણ કર્યું છે. ધાનેરામાં ચારેય બાજુ પાણી પાણી છે. જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

જનતા ત્રાહિમામ પોકારી ઉઠી :સ્થાનિક લોકો પાણી ભરાવવાનો દોષનો ટોપલો પાલિકા પર ઢોળી રહ્યા છે. પાલિકા ચાલુ વરસાદે વેરા વસૂલાતમાં વ્યસ્ત છે, પણ નગરના પ્રશ્નો બાબતે નિદ્રા છે. ચારે બાજુ દબાણનો રાફડો ફાટી નીકળતા પાણી નીકળવાનો માર્ગ જ નથી. પાલિકાની મીઠી નજર હેઠળ દબાણ થતા નગરમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. પાલિકા વેરા વસુલાતની સાથે નગરજનોની પણ ચિંતા કરે એ લોકોની માંગ છે.

બાજરીના પાકને ભારે નુકસાન :આજરોજ મળતી માહિતી મુજબ ચંદનગઢ ગામના મહાદેવભાઈ રબારીએ જણાવ્યું હતું કે, સરહદી પંથકમાં પડેલા વરસાદ અને ભારે પવનના લીધે બાજરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બીજી તરફ ચોથાનેસડા, રાછેણા, લોદરાણી, માવસરી ઢીમા સહિતના પંથકમાં વરસાદ સાથે આવેલ ભારે પવનના લીધે ચોમાસુ વાવણી કરેલ બાજરીનો પાક ઢળી પડતા ખેડૂતમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

  1. છાપીના નળાસર ગામ નજીક ખેતરમાં મળ્યા બે યુવકોના મૃતદેહ
  2. બનાસકાંઠામાં ધસમસતા પ્રવાહમાં ખેંચાયા 4 વ્યક્તિ, 1નું મોત

ABOUT THE AUTHOR

...view details