બનાસકાંઠા:પાલનપુરના સેમોદ્રા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાની ગેરરિતી બનાસ ડેરીની ટીમની તપાસમાં બહાર આવતા બનાસ ડેરી દ્વારા 20 લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે હવે આ રકમ વસુલ કરવા અને આર્થિક છેતરપિંડી આચરવા માટે સેટિંગ કરવા મામલે કર્મચારીઓ સહિત ગ્રાહકો સામે ફરિયાદ નોંધાઈ છે.
કેવી રીતે આવ્યું કૌભાંડ?
તમે કહેવત તો સાંભળી હશે કે "દૂધનું દૂધ અને પાણીનું પાણી" કંઈક આવો જ મામલો પાલનપુર તાલુકાની સેમોદ્રા ઉત્પાદક મંડળીમાં સામે આવ્યો છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાનું કર્મચારી સાથે સેટિંગ ગોઠવી ગેરરીતિ આચરનારા ગ્રાહકોનું હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. બનાસ ડેરીની ટીમની તપાસમાં મોટો ઘટસ્ફોટ થતા 20 લાખ રૂપિયાનો દંડ બનાસ ડેરી દ્વારા સેમોદ્રા દૂધ ઉત્પાદક મંડળીને આર્થિક નુકશાન પહોંચાડવા બદલ ફટકારવામાં આવ્યો છે.
ટેસ્ટરો સાથે સેટિંગ કરી
બનાસ ડેરીની ટીમની તપાસમાં મામલો સામે આવ્યા બાદ કમિટી સમક્ષ ગ્રાહકે પોતે પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવા માટે ટેસ્ટરોને પગારમાંથી હપ્તો આપવા માટેનું સેટિંગ ગોઠવ્યુ હોવાની કબૂલાત કરી હતી. જોકે તે ગ્રાહકો અને સેટિંગ ગોઠવાનારા ટેસ્ટર કર્મચારી સાથે ફરજમાં ધ્યાન ન રાખનારા મંત્રી પાસેથી દંડ વસૂલવા માટે કમિટી દ્વારા પ્રયાસ કરાયા હતા. પરંતુ દંડની રકમ ન ભરી સેમોદ્રા ડેરીને આર્થિક નુકશાન ભરવા માટે મજબુર કરનારા સામે આખરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.