મહીસાગર: પાણી વધતાંકડાણા ડેમનું લેવલ હાલ 417 ફૂટ અને 5 ઇંચ ઉપર પહોંચ્યું છે અને કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો છે. ભારે પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી રાત્રે 9:00 કલાકે 2,30,858 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લા નદી કાંઠાના 106 ગામના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, અને વડોદરા જિલ્લાના કલેકટરને આ બાબતે પત્ર દ્વારા જાણ કરાઈ છે. અને સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા અને મહીસાગર જીલ્લા સહિત વિવિધ 8 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 19 ગેટ ખોલી 2,30,858 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહેવા લાગી છે.