જૂનાગઢ: પરંપરા અને લોકવાયકાઓ આજે પણ એટલી જ અસરકારક જોવા મળે છે જેટલી આજથી વર્ષો પૂર્વે જોવા મળતી હતી. સંસ્કૃતિ અને ઉત્સવો લોક પરંપરા પર આજે પણ આધારિત જોવા મળે છે. બિલકુલ આ જ પ્રકારની એક લોક પરંપરા કોળું ન ખાવાને લઈને પણ જોવા મળે છે. પરંપરા અનુસાર બ્રાહ્મણો કોળાને ખોરાક તરીકે ગ્રહણ કરતા નથી, પરંતુ કોળુ ન ખાવું જોઈએ આ પરંપરા આજે આધુનિક યુગમાં અકબંધ રહેતી પણ જોવા મળતી નથી. તો ચાલો જાણીએ કે, શા કારણે બ્રાહ્મણો કોળુ નથી આરોગતા?
પરંપરા અને લોકવાયકા મુજબ કોળું દૈત્યનું સ્વરૂપ: સનાતન લોક સંસ્કૃતિ અને પરંપરા જેટલી આજે અસ્તિત્વ ધરાવે છે તેટલી જ અસ્તિત્વ આજથી વર્ષો પૂર્વે પણ ધરાવતી હશે. તેનું આદર્શ દ્રષ્ટાંત આજે મળી આવે છે કે, સામાન્ય રીતે બ્રાહ્મણો કોળાને ખોરાક તરીકે ગ્રહણ કરતા નથી. તેની પાછળ લોક પરંપરા અને સંસ્કૃતિ જોવા મળે છે. પરંતુ આજે આધુનિક યુગમાં બ્રાહ્મણો કોળાને ખોરાક તરીકે ગ્રહણ કરીને વર્ષો જૂની પરંપરા લોકવાયકા અને સંસ્કૃતિથી ઉપર ઊઠીને જીવી રહ્યા છે.
સામાન્ય રીતે કોળાને રાક્ષસ અથવા તો દૈત્યના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. નવરાત્રીના આઠમના દિવસે જે યજ્ઞ થાય છે તેમાં આહુતિ તરીકે કોળાનું સ્થાન હોય છે. જેથી દૈત્યના પ્રતિક રૂપે ગણાતા કોળાને બ્રાહ્મણો ખોરાક તરીકે ગ્રહણ કરતા નથી, પરંતુ આધુનિક યુગમાં આ લોકવાયકા આજે થોડે ઘણે અંશે બદલાયેલી જોવા મળે છે.