જૂનાગઢ: વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ' ઉજવાય છે ત્યારે મિત્રતાનું ઉદાહરણ કહી શકાય તેવા જૂનાગઢમાં એકલવાયુ જીવન જીવતા અને સમગ્ર શહેરમાં કુતરા બાપુ તરીકે ઓળખાતા શ્વાનપ્રેમી આજે છેલ્લા 40 વર્ષથી જુનાગઢ શહેરમાં રખડતા શ્વાનો પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે. મિત્રતાના એક અનોખા સંબંધ બાંધીને જૂનાગઢ શહેરના શ્વાનો સાથે સુખ-દુઃખના સાથી બનીને મિત્રતાનું એક ઉત્તમ દ્રષ્ટાંત કંડારી રહ્યા છે.
કુતરાવાળા બાપુ મિત્રતાનું આદર્શ દ્રષ્ટાંત: આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર મિત્રતાને સમર્પિત કરીને આજના દિવસે મિત્રતાના જાણ્યા અજાણ્યા કિસ્સાઓ ઉજાગર થાય તે માટે ખાસ ઉજવવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શહેરમાં કુતરાબાપુના હુલામણા નામે ઓળખાતા શ્વાનપ્રેમી પાછલા 40 વર્ષથી એક અનોખી મિત્રતાનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત કંડારી રહ્યા છે.
40 વર્ષથી અનોખી મિત્રતા:પાછલા 40 વર્ષથી કુતરા બાપુ અન્ય કોઈ સાથે નહીં પરંતુ જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર રહેતા રખડતા શ્વાનો પ્રત્યે એક અનોખી મિત્રતાના બંધને બંધાયેલા છે. 40 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ મિત્રતા આજે પણ દર વર્ષે ગાઢ મજબૂતાઈ તરફ આગળ વધી છે.કુતરાવાળા બાપુના હુલામણા નામથી ઓળખાતા જૂનાગઢના આ અનોખા વ્યક્તિ રખડતા શ્વાનોના જન્મ થવાથી લઈને તેના મૃત્યુ સુધીની તમામ દેખભાળ અને જવાબદારી પોતે પરિવારના એક સભ્ય ગણીને નિભાવી રહ્યા છે.