કચ્છ:જીલ્લા કોંગ્રેસ સમિતીની વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ગુજરાત રાજયના પ્રભારી મુકુલ વાસનીક, સહપ્રભારી બી.એમ.સંદિપ તથા કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ જીલ્લાના પ્રભારી નુશરત પંજાની અધ્યક્ષતામાં યોજવવામાં આવી હતી. જેમા કચ્છને લગતા વિવિધ પ્રશ્નોના મુદે અગામી લડત કાર્યકમો માટે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠકમાં કચ્છ જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.
વિવિધ 8 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લોકસભા 2024 ની સામાન્ય ચુંટણીમાં શાનદાર દેખાવ થતા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધીનું લોકસભા વિપક્ષી નેતા તરીકે પસંદગી કરવા બદલ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીનું આભાર વ્યકત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કચ્છ જીલ્લાના બંદરીય માંડવી શહેરમાં ફેલાયેલ કોલેરાના રોગના કારણે આરોગ્ય સાથે ગંભીર બેદરકારી છતી થઈ છે. ભવિષ્યમાં આવી મહામારીઓ જીવલેણ ન બને અને જવાબદાર તંત્ર સામે પગલા લેવા તથા રાજયના આરોગ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય નૈતિકતા ધોરાણે રાજીનામુ આપે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અને આ આરોગ્ય ક્ષેત્રની બેદરકારી અંગે માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખોને લડત કાર્યક્રમોની અમલવારી માટે અધીકૃત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
પ્રીમોનસુનની કામગીરી અંગે ઠરાવ: કચ્છ જીલ્લામાં હાલમાં થયેલ સામાન્ય વરસાદમાં તમામ નગરપાલિકા વિસ્તારમાં પ્રીમોનસુનની કામગીરીની પોલ પાધરી થઈ ગઈ છે, જેમા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયેલ નથી જે શાસકોની અણઆવડત કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પીવાના પાણી સાથે ગટરના પાણી ભળતા ભયંકર રોગચાળો ફેલાય એવી દહેશત આજની જીલ્લા કોંગ્રેસની કારોબારીએ વ્યકત કરી હતી અને આ મુદાને ગંભીર સમજી આગળની કાર્યવાહી અને અમલવારી માટે તમામ શહેર પ્રમુખો વિપક્ષી નેતા સહિતના નગરસેવકોને અમલવારી માટે અધિકૃત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાવામાં આવ્યો હતો.
મીઠાની ઓવરલોડ ટ્રકો અંગે ઠરાવ:કચ્છ જીલ્લામાં મીઠું પકવતા પરંપરાગત 10 એકર જમીન માંગણી અને મળેલી જમીનની લીઝ રીન્યુ કરવાની બાબતે ઘણા વર્ષોથી માંગણી સંતોષાતી નથી. ઉદ્યોગપતિઓને નજીવા દરે હજારો એકર જમીન મંજુર થાય છે જે ગરીબ અગરીયાઓ માટે અન્યાય કર્તા બાબત છે ઉપરાંત અભ્યારણ તેમજ સરકારી, ગૌચરની જમીનોમાં પણ ગેરકાયદેશર દબાણો થયેલ છે. જે બાબત કચ્છ જીલ્લાની ભાવી પેઢી અને પશુપાલકો માટે નુકશાન કર્તા હોઈ ઉપરાંત કચ્છના રણમાંથી આવતી મીઠાની ઓવરલોડ ટ્રકોથી વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. જે બાબતોને કચ્છ જીલ્લા કોંગ્રેસ ગંભીર સમજી જીલ્લા કક્ષાની સમિતી બનાવી લડત ચલાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
મોંઘવારી અંગે ઠરાવ:કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકારોની અણઆવડતના કારણે મોંઘવારીએ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓ તથા મધ્યમવર્ગનું બજેટ ખોરવાતા પારાવર મુશ્કેલીઓ ઉભી થઈ છે. આ બાબત ખુબ જ ગંભીર હોઈ બેઠકમાં આ મુદે નકકર આયોજન બાદ લડત ચલાવવા માટે કચ્છ જીલ્લા મહિલા કોંગ્રેસને અમલવારી કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ડ્રગ્સની હેરાફેરી તથા ડીમોલેશન અંગે ઠરાવ: કચ્છ જીલ્લામાં દરીયા કાંઠાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર ડ્રગ્સ પકડાય છે. અગાઉ મુન્દ્રા અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાયેલ છે. જે બાબત કચ્છના યુવાધનને બરબાદ કરનાર છે. ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી નાથવામાં કેન્દ્ર તથા રાજય સરકાર સદંતર નીષ્ફળ નીવડી છે અને ડ્રગ્સ માફીયાઓને ઉતેજન આપી રહી છે.ઉપરાંત કચ્છ જીલ્લામાં વહીવટી તંત્ર અવારનવાર કોઈપણ જાતની નોટીસો આપ્યા વિના ડીમોલેશન કરી પ્રજાની મીલકતોને નુકશાન પહોંચાડી ચોકકસ સમુદાય તથા ગરીબોને શ્રમજીવીઓને બેઘર કરવામાં આવી રહયા છે જે બાબત પણ ખુબ જ નીંદનીય છે.આમ ડ્રગ્સની હેરાફેરી તથા ડીમોલેશન આ બન્ને મુદાઓને આજની કારોબારી સભા ગંભીરતાથી લઈ કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાનોની લડત સમિતી બનાવી લડત ચલાવવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું.