અમરેલી: દેશભરમાં સહકાર જગતમાં ક્રાંતિ લાવવા નરેન્દ્ર મોદી સરકારે સહકાર મંત્રાલય ઊભું કરી તગડુ બજેટ ફાળવ્યું છે. પરંતુ ઇન્કમટેક્સના કેટલાક નિયમોના કારણે સહકાર ક્ષેત્રનુ ગળુ ઘોંટાય તેવો તાલ સર્જાયો છે અને અમરેલી જિલ્લામા જુદી જુદી પાંચ મંડળીઓને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરવાના બહાના હેઠળ 2થી લઈને 10 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવતા અને અનેક મંડળીઓને નોટિસ આપવામાં આવતા સહકારી ક્ષેત્ર ખળભળી ઊઠયું છે. ત્યારે શું છે આખો મામલો જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં...
આ છે અમરેલી જિલ્લાની સેવા સહકારી મંડળીઓ
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ પૂરી પાડતી સહકારી મંડળીઓને ઇન્કમટેક્સ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે. જો કે આવી મંડળીઓએ આઇ.ટી રિટર્ન ભરવું ફરજીયાત બનાવાયું છે. વર્ષ 2016-17માં નવા નિયમની જાણકારી ન હોવાથી અનેક મંડળીએ રિટર્ન ફાઇલ કર્યુ ન હતું. જો કે ત્યારબાદ તમામ મંડળીઓ રિટર્ન ફાઇલ કરી રહી છે. પરંતુ વર્ષ 16-17 નો મામલો હવે સહકારી મંડળીઓ માટે માથાના દુખાવા રૂપ બન્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે અને અમરેલી જિલ્લાના સાવરકુંડલાની કેટલાક ગ્રામ્ય મંડળીના સંચાલક પ્રમુખ મંત્રીઓને અંગ્રેજી ભાષાની જાણકારીના અભાવે એટલે કે અંગ્રેજીના જાણતા હોવાથી ઇન્કમટેક્સની નોટિસો ગંભીરતા પૂર્વક ન લેતા હાલ બેન્ક દ્વારા આ નાની નાની પાંચ મંડળીઓના ખાતા ફ્રિઝ કરતા હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની 5 થી 6 જેટલી સેવા સહકારી મંડળીઓને હાલ કરોડો રૂપિયાની નોટિસો ફટકારી છે. ત્યારે સાવરકુંડલા પંથકની કઈ મંડળીનું કેટલું ભંડોળ અને કેટલી પેનલ્ટી છે તે પર નજર કરીએ...
- નેસડી સેવા સહકારી મંડળી 34.78 લાખ ખાતાની મૂળ રકમ અને નોટિસ 8.09 કરોડ
- ડેડકડી સેવા સહકારી મંડળીની આવક 16.51 લાખ અને નોટિસ 10.04 કરોડ
- મઢડા સેવા સહકારી મંડળીની આવક 4.47 લાખ અને નોટિસ 19.26 લાખ
- પીઠવડી સેવા સહકારી મંડળીની આવક 30.22 લાખ અને નોટિસ 10.07 કરોડ
- ભુવા સેવા સહકારી મંડળીની આવક 32 લાખ અને નોટિસ 2.08 કરોડની નોટિસ