ગુજરાત

gujarat

ETV Bharat / state

2 વીઘામાં તબેલો, 70 ભેંસ અને દરોજ્જ 300 લિટર દૂધનું ઉત્પાદન, અમરેલીના આ પશુપાલક મહિને કરે છે લાખોની કમાણી

અમરેલી પંથકમાં રહેતા એક પશુપાલક પશુપાલન થકી મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય લોકોને પણ રોજગારી પુરી પાડી રહ્યા છે.

નેસડી ગામના પશુપાલક પ્રતાપભાઈ બસીયા
નેસડી ગામના પશુપાલક પ્રતાપભાઈ બસીયા (Etv Bharat Gujarati)

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2024, 7:52 PM IST

અમરેલી: સાવરકુંડલાનાં નેસડી ગામે રહેતા 38 વર્ષીય પ્રતાપભાઇ બસીયા પશુપાલનના વ્યવસાયને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનું કારણ બન્યા છે. 8 ધોરણ સુધી ભણેલા પ્રતાપભાઈ ખેતીની સાથે-સાથે છેલ્લાં 4 વર્ષથી પશુપાલન સાથે પણ જોડાયેલા છે.

2 વીઘામાં તબેલો: પ્રતાપભાઈએ પોતાની વાડીમાં 2 વીઘામાં તબેલો બનાવ્યો છે. આ તબેલામાં તેમની પાસે કુલ 70 ભેંસો છે. દરેક ભેંસ સારી ઓલાદની છે અને આ ભેંસો થકી તેઓ રોજનું 300 લિટર જેટલું દૂધનું ઉત્પાદન કરે છે અને મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જ્યારે અન્ય લોકો માટે પણ પ્રતાપભાઈનો આ તબેલો રોજગારીનો આઘાર બન્યો છે, તેમના તબેલામાં 8 લોકો કામ કરે છે. જેઓને તેઓ મહિને 1.30 લાખ જેટલું વેતન પણ ચુકવે છે.

અમરેલીના નેસડી ગામના યુવા પશુપાલક દૂધ વેંચીને કરે છે મહિને લાખોની કમાણી (Etv Bharat Gujarat)

દૂધ સાથે છાણનું પણ વેંચાણ: પ્રતાપભાઈ દૂધ ઉપરાંત ભેંસનું છાણ વેચીને પણ કમાણી કરે છે. તેઓ 1500 રૂપિયામાં એક ટ્રેકટર છાણ વેચે છે. પ્રતાપભાઈએ વધુમાં જણાવ્યું કે, રોજ ભેંસોને બને સમય 5 કિલો ખાણ આપવામાં આવે છે, તેમજ 8 કિલો થી 12 કિલો ઘાસચારો આપવામાં આવે છે. ખાણદાન આપવામાં આવતા દૂધ ક્વોલિટી વાળું આવે છે જેથી તેમના તબેલાના દૂધની માંગ લોકોમાં વધુ રહે છે. તેમના તબેલામાં ભેંસો માટે RCCની બેઠક વ્યવસ્થા ઉપરાંત લાઇટ અને પંખાની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

દરોજ્જ 300 લિટર દૂધનું થાય છે ઉત્પાદન (Etv Bharat Gujarat)

રોજનું 300 લિટર દૂધનું ઉત્પાદન: પ્રતાપ ભાઈએ અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાંથી શ્રેષ્ઠ ઓલાદની ભેંસોની ખરીદી કરી છે. એક ભેંસની કિંમત રૂપિયા 1 લાખથી લઇને 3 લાખ સુધીની છે. તેમની કેટલીક ભેંસ રોજ 20થી 25 લિટર દૂધ આપે છે. આમ તેમના તબેલામાંથી રોજનું 300 લિટર દૂધનું ઉત્પાદન થાય છે.

પ્રતાપભાઈના તબેલામાં છે શ્રેષ્ઠ ઓલાદની 70 ભેંસો (Etv Bharat Gujarat)

મહિને લાખોની કમાણી: આ દૂધ સાવરકુંડલામાં દાનેવ ડેરી , નેસડી ગામ અને અન્ય વિસ્તારમાં પહોચાડવામાં આવે છે. એક લિટર દૂધનાં સરેરાશ 90 રૂપિયા ભાવ મળે છે. આમ રોજનું 25,000 રૂપિયાથી લઇને 27,000 રૂપિયાનું દૂધ થાય છે. મહિને રૂપિયા 7 લાખ થી લઇને 8 લાખ રૂપિયા સુધીની આવક દૂધમાંથી મળી રહે છે.ખર્ચ કાઢતા મહિને તેઓ 3 લાખ રૂપિયા જેટલો ચોખો નફો કમાઈને અન્ય લોકોને પણ પશુપાલન પ્રત્યે પ્રેરણા પુરી પાડી રહ્યાં છે.

નેસડી ગામે 2 વીઘામાં બનાવ્યો ભેંસો માટે તબેલો (Etv Bharat Gujarat)

મહત્વપૂર્ણ છે કે, પ્રતાપ ભાઈ જેવા યુવા પશુપાલક આજે પશુપાલનના વ્યવસાય થકી મહિને લાખો રૂપિયાની આવક રળી રહ્યાં છે, સાથે જ પશુપાલન થકી લોકોને શુદ્ધ અને પૌષ્ટીક દૂધ સાથે અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે.

  1. અમરેલીના ખેડૂત પુત્રની અદમ્ય સિદ્ધી, GPSCની પરીક્ષામાં મેળવ્યો બીજો નંબર
  2. અમરેલીના આ પશુપાલક પાસે છે 4 લાખની ગીર ગાય, મહિને કરે છે અધધ કમાણી

ABOUT THE AUTHOR

...view details