અમરેલી: અમરેલી અને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં હાલ સફેદ તલ અને કાળા તલની આવક શરૂ થઇ છે અને સફેદ તલના ભાવ 1400 થી લઈને 2400 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે જ્યારે કાળા તલની ડિમાન્ડ વધુ હોવાથી કાળા તલમાં ખેડૂતોને ફાયદો જણાઈ રહ્યો છે. હાલ 3000 થી લઈને 4200 સુધીના કાળા તલનો ભાવ આજે યાર્ડની જાહેર હરાજીમાં મળ્યા હતા. પરંતુ સફેદ તલના ભાવો અંગે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
કાળા તલના ભાવો સારા મળ્યા: સફેદ તલ અને કાળા તલ વચ્ચેના ભાવો મળવામાં ભારે અસમાનતા જોવા મળી હતી. 2 હજારથી 2200 સુધીના જ ભાવો સફેદ તલમાં મળ્યા હતા. તો અમુક ખેડૂતોને કાળા તલમાં 3800 સુધીના ભાવો મળ્યા જ્યારે અમુક સારા કાળા તલમાં 4200 સુધીના ભાવો મળ્યાં હતા. મજૂરોના ભાવો 500 હોય ત્યારે તલના ભાવોમાં વધુ ભાવો હજુ મળે તેવી ખેડૂતોએ માંગણીઓ કરી હતી. આ અંગે યાર્ડના જોઇન્ટ સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ કાળા તલના ભાવો સારા મળતા હોવાનું જણાવ્યું હતું.