ગુજરાત

gujarat

ETV Bharat / state

રણમાં પાણી કે પાણીમાં રણ !, આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે રાહ - KUTCH RANOTSAV

હવે જો વરસાદના થાય તો રણમાં ભરાયેલું પાણી સુકાઈ જશે અને ડિસેમ્બરમાં પ્રવાસીઓ રણોત્સવ માણી શકશે.

કચ્છના સફેદ રણમાં પાણી જ પાણી
કચ્છના સફેદ રણમાં પાણી જ પાણી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 3:23 PM IST

કચ્છ: વિશ્વ વિખ્યાત કચ્છનું સફેદ રણ દુનિયાભરના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં રણોત્સવની મુલાકાતે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. પરંતુ આ વર્ષે કચ્છમાં આવેલ અતિભારે વરસાદના કારણે હજુ સુધી કચ્છના સફેદ રણમાં પાણી ભરાયેલું છે અને દરિયાની જેમ ઠેર ઠેર પાણી જ જોવા મળી રહ્યું છે. સફેદ રણના આ દ્રશ્યો દરિયા જેવા દેખાઈ રહ્યા છે. સફેદ રણની ચમક હજુ સુધી પ્રવાસીઓને જોવા નહીં મળે, દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે છે ત્યાં પાણી જ પાણી જોવા મળે છે.

રણોત્સવ પહેલા કચ્છના રણમાં પાણી (ETV Bharat Gujarat)

સફેદ રણમાં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી
વિશ્વભરના પ્રવાસીઓ અન્ય રાજ્યો અને દેશોથી કચ્છ માત્ર સફેદ રણનો નજારો માણવા આવતા હોય છે. જોકે આ વખતે તેમણે સફેદ રણનો નજારો જોયા વગર જ પાછા જવું પડશે તેવી સ્થિતિ હાલ છે. આગામી 11 નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં ઉજવાતો રણોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હજુ સુધી રણમાં વરસાદના પાણી ભરાયાં છે જેને લીધે હજુ સુધી મીઠું પાક્યું નથી માટે આ વખતે રણોત્સવની મજા પણ ખરાબ થશે તેવું લાગી રહ્યું છે.

જો હવે વરસાદ ના પડે તો નવેમ્બર માસના અંત સુધીમાં પાણી સુકાઈ જશે
રણોત્સવ જે સ્થળે યોજાય છે તે ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે, રણમાં પાણી તો ભરાયેલું છે પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધીમાં રણ બની જશે. જેથી કરીને ડિસેમ્બરમાં લોકો રણની મજા માણી શકશે. હાલમાં વારંવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે રણમાં પાણી સુકાવાનું મોડું થતું જઈ રહ્યુ છે. હવે જો વરસાદના થાય તો રણમાં ભરાયેલું પાણી સુકાઈ જશે અને ડિસેમ્બરમાં પ્રવાસીઓ રણોત્સવ માણી શકશે.

વરસાદી પાણીથી પ્રવાસીઓની મજા બગડશે (ETV Bharat Gujarat)

પ્રવાસીઓને ડિસેમ્બરમાં માણવા મળશે સફેદ રણનો નજારો
સામાન્ય રીતે પ્રવાસીઓ તો દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ કચ્છ ફરવા આવી જતા હોય છે. પરંતુ રણમાં હાલમાં પાણી છે ત્યારે રણમાં આવીને પાણીની મજા માણી શકે અને અમુક સ્થળોએ રણના પેચ જોઈ શકે. બાકી કચ્છના અન્ય પ્રવાસનના સ્થળો પર તેઓ પ્રવાસ માણી શકે છે. આ ઉપરાંત ધોરડોથી ધોળાવીરા રોડ ટુ હેવન પણ ખૂબ સારો નજારો હોય છે. તો ધોળાવીરા પાસે પણ સફેદ રણનો નજારો જોવા મળે છે.

પ્રવાસીઓને સફેદ રણનો નજારો માણવા જોવી પડશે રાહ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023-24માં યોજાયેલા રણોત્સવમાં 945 વિદેશી સહિત 4.24 લાખ પ્રવાસી આવ્યા હતા અને સરકારને 3.67 કરોડની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે રણમાં પહોંચવા સુધી જે જવાનો રસ્તો છે ત્યાં સુધી બંને તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે આ વખતે દોઢ બે મહિના સુધી પાણી જો નહીં સુકાય તો પ્રવાસીઓમાં જે રણોત્સવ અને કચ્છના સફેદ રણની જે છાપ છે તેના પર અસર થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું : અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન
  2. ભાવનગરમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો, મગફળી, કપાસના પાકને નુકશાનની ભીતિ

ABOUT THE AUTHOR

...view details