ગાંધીનગર :અંબાલાલ પટેલ એક ખેડૂત પુત્ર હતા. તેમનો જન્મ દેત્રોજ તાલુકાના રૂડાતળ ગામમાં થયો હતો. પ્રાથમિક અભ્યાસ ગામની શાળામાં લીધો હતો. અંબાલાલને શાળાએ મોકલતા પહેલા કપાળ પર મોટું તિલક કરવામાં આવ્યું હતું. ગામની શાળામાં અંબાલાલે ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો હતો. વધુ અભ્યાસ માટે તેઓ બાજુના ગામમાં ગયા હતા.
ખેડૂત પુત્ર અંબાલાલનું બાળપણ (ETV Bharat Reporter) - ખેડૂત પુત્ર અંબાલાલનું બાળપણ :
અંબાલાલને બાળપણથી કૃષિમાં રુચિ હતી. તેઓ વહેલા ઊઠીને પરિવારને ખેતીમાં મદદ કરતા. બાળપણ વાગોળતા તેમણે જણાવ્યું કે, હું નાનપણમાં વલોણાનું માખણ ખૂબ ખાતો હતો. અંબાલાલે વિસનગરની શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેમના પિતા તેમને ભણાવવાના આગ્રહી હતા.
અંબાલાલ કૃષિનો અભ્યાસ કરવા માટે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. અંબાલાલે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમમાં BSc એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવી છે. બાદમાં તેઓ 1972માં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. જેમાં બીજ પ્રમાણિત કરનારા અધિકારી તરીકે તેઓ વિવિધ ગામોમાં બીજ પ્રમાણિત કરવા જતા હતા.
- તમે વરસાદની આગાહી કરવાનું કેમ અને ક્યારથી શરૂ કર્યું ?
આ સવાલનો જવાબ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, મારે વિવિધ ગામડામાં બિયારણ સર્ટિફાઇડ કરવા જવાનું થતું. એ વખતે ખેડૂતોને હું પૂછતો કે તમારા કપાસનો યોગ્ય વિકાસ કેમ નથી થયો ? તો તેઓ કહેતા કે વરસાદ બરાબર નથી થયો. એ વખતે મને થતું કે વરસાદ બાબતે સંશોધન કરવું જોઈએ. વરસાદના સંશોધનમાં મને રસ પડ્યો, આમ ખેડૂતો સાથેની વાતચીતથી મારામાં આગાહી અને સંશોધનના બીજ રોપાયા.
સરકારી નોકરી દરમિયાન અંબાલાલે ગુજરાતના વિવિધ વિસ્તારો, જેમાં ખાસ કરીને ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તે સમયમાં ગામડાઓમાં બસની સગવડ ઓછી હતી, આથી તેઓ ક્યારેક ટ્રકમાં પણ એક ગામથી બીજા ગામ જતા હતા.
વર્ષો પહેલાં ગામડાંઓમાં અનેક લોકો હવામાનના જાણકાર હતા, તે પવન જોઈને આગાહી કરતા હતા. અન્ય લોકો પણ એકત્ર થઈને સામૂહિક રીતે દેશી પદ્ધતિથી વરસાદની આગાહી કરતા હતા. તેથી અંબાલાલ પટેલે આ ગામના લોકોને જણાવ્યું કે મને પણ આગાહી કરતા શીખવાડો. ગામના લોકોએ ઠપકો આપતા કહ્યું કે, "પહેલા ભણને પછી આગાહી શીખજે" આમ, કોઈએ અંબાલાલને આગાહી કેવી રીતે થાય તે શીખવ્યું નહીં.
જિજ્ઞાસા અને સંશોધનની ભૂખ (ETV Bharat Reporter) - જિજ્ઞાસા અને સંશોધનની ભૂખ :
અંબાલાલના જણાવ્યા અનુસાર, પછી તેમણે હવામાનની આગાહી વિશેના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. બીજ પ્રમાણન માટે તેઓ નવસારી, જૂનાગઢ જતા ત્યારે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાન, ખેતી, જૈન સાહિત્ય તેમજ જ્યોતિષ વગેરેનાં પુસ્તકો જેવા કે વારાહી સંહિતા, બૃહદ સંહિતા, મેઘ મહોદય વગેરે સાથે રાખતા અને વાંચતા.
અંબાલાલ કહે છે, "1980 થી મેં વરસાદની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મુખ્ય માધ્યમ પંચાંગ રહેતું અને વિવિધ પુસ્તકોનો પણ સહારો લેતો." તે વખતે મેં બિયારણની સાથે પંચાંગનો અભ્યાસ પણ શરૂ કર્યો હતો.
1977 માં અંબાલાલની જીજ્ઞાસા વધતા તેઓ જ્યોતિષોની મીટીંગોમાં જતા થયા. જૂનાગઢથી એસ્ટ્રોલોજીનું પુસ્તક લાવ્યા હતા, તેને પ્રવાસ દરમિયાન સમય મળે ત્યારે વાંચતા હતા. આવી રીતે તેમનો આગાહી કરવાનો પ્રવાસ શરૂ થયો હતો.
વારાહી સંહિતામાં વરસાદનો ગર્ભ, વરસાદનું સેટિંગ, મેઘનો ઉદય, વરસાદનો ગર્ભ કેવી રીતે બંધાય, મેઘ મહોદય, મેઘમાલા વગેરેનો તેમણે અભ્યાસ કર્યો હતો. ભારતમાં વિવિધ ભાષાઓના વરસાદ ગ્રંથના તેમણે અભ્યાસ કર્યો હતો. વારાહી સંહિતા તેમને વરસાદનું ઊંડું જ્ઞાન મળ્યું હતું.
વરસાદ આગાહીનો મૂળભૂત સિદ્ધાંત (ETV Bharat Reporter) - વરસાદ આગાહીનો મૂળભૂત સિદ્ધાંત :
વરસાદ અંગેના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરતા અંબાલાલે જણાવ્યું કે, કારતક સુદ બારસે જ્યારે આકાશ રક્તવર્ણનું થાય ત્યારે ઋતુ સ્થાન ગ્રહણ કરે છે. માગશર સુદ બીજના દિવસે ચંદ્ર પૂર્વ નક્ષત્રમાં આવે ત્યારે વરસાદનું ગર્ભ બંધાય છે. વરસાદનું એ ગર્ભ સાડા છ મહિને પૂર્ણ થાય છે. ફાગણ માસમાં પવન ચક્ર શરૂ થાય છે. માગશર અને મહામાસ વાદળવાળો રહેવો જોઈએ. ફાગણ માસમાં પવન જોવામાં આવે છે. ફાગણમાં પવનચક્ર શરૂ થાય છે. ચૈત્રમાં ગરમીનો જોવાનું હોય છે. વૈશાખમાં પવનનું જોવાનું હોય છે. ચૈત્રમાં વરસાદનો ગર્ભ જોવાનો હોય છે. જેઠમાં ગર્ભ કેવી રીતે થયો તે જોવાનો હોય છે. બાદમાં અષાઢ અને અષાઢ વધ જોવાનો હોય છે. આ બધી જૂની પ્રક્રિયાઓ છે.
- હોળીની જ્વાળા અને પવનની દિશાનું વિજ્ઞાન :
વરસાદ આગાહીની પ્રાચીન પદ્ધતિ અને આધુનિક પદ્ધતિઓ થોડી જુદી છે. આધુનિક પ્રક્રિયામાં જોવામાં આવે તો ફાગણમાં હોળીનો પવન જોવામાં આવે છે. હોળી પ્રગટે ત્યારે કઈ દિશામાંથી પવન આવે છે તે જોવાનો હોય છે, જે દર વર્ષે જુદી જુદી દિશાના પવન હોય છે. હોળી પ્રગટે તે સમયે અગ્નિ અને દક્ષિણ દિશામાંથી પવન આવે તો તે સારું ન ગણાય. દક્ષિણ પવન સારો ન ગણાય.
વાયવ્યમાંથી પવન આવતો હોય તો વાવાઝોડા સાથે પવન વરસાદ થવાની સંભાવના છે. નૈઋત્યથી પવન આવે તો ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવવાની શક્યતા વધુ રહે છે. પરંતુ તે વર્ષ શરૂઆતમાં ખામીવાળુ રહે છે. ઈશાનનો પવન હોય તો શિયાળો લંબાય કારણ કે આ પવન ઉત્તરથી આવતો હોય છે. ચૈત્ર ચોખ્ખો હોવો જોઈએ.
વૈશાખ મહિનાની અખાત્રીજમાં પવનની દિશા જોવાની હોય છે. વરસાદની આગાહી કરવામાં અમાસ અને પૂનમની ભરતી અને ઓટ પણ જોવામાં આવે છે. કારણ કે સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન થઈને વાદળા બંધાતા હોય છે. દરિયાની ભરતી અને ઓટના આધારે વરસાદની આગાહી કરવામાં આવે છે.
પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને દેશી પદ્ધતિ (ETV Bharat Reporter) - હવામાન આગાહીનું પ્રાચીન અને આધુનિક વિજ્ઞાન :
આધુનિક વિજ્ઞાનમાં પણ હવામાનની આગાહી કરવા માટે અનેક પુસ્તકો લખાયા છે. "અવર ક્લાઇમેટ" અને "ધ મોન્સૂન" જેવા પુસ્તકો અગત્યના છે. આપણું ચોમાસું એ આપણું નથી. આપણું ચોમાસું દક્ષિણ ભારતમાંથી આવે છે. સમુદ્રમાં રહેતા પવનોનો પણ અભ્યાસ કરવો જોઈએ. દક્ષિણ અમેરિકામાં પેસેફિક મહાસાગરની સ્થિતિ જોવામાં આવે છે. પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં જ્યારે સમુદ્રની નિયત માત્રામાં જળવાયુ ગરમ હોય તો અલનીનો કહેવામાં આવે છે.
- પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને દેશી પદ્ધતિ :
પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ભેજમાપક યંત્ર ગામડામાં હતા નહીં. તેથી દેશી પદ્ધતિથી ભેજ માપવામાં આવતો હતો. પક્ષીઓ કાયર થઈને ધૂળમાં નાહવા માંડે, કરોળિયા વરસાદ આવવાનો થાય એટલે ઘરમાં તેના જાળ બાંધે, સ્વાન ગરમીથી ત્રાસીને પાણીમાં પડે અને મોં ઉપર તરફ રાખે, લોટ બાંધતા હોય તેમાં ભીનાશ આવી જાય, મીઠામાં પણ ભીનાશ આવી જાય એટલે આપણને ખ્યાલ આવે કે ભેજ આગળ વધ્યો છે. હાલમાં ભેજ માપવાના અનેક યંત્રો આવી ગયા છે.
તેમના કહેવા અનુસાર, કેટલાક ધાર્યાં અનુમાન સાચા પડ્યા એટલે તેમણે આધુનિક બાબતો જેવી કે સેટેલાઇટ ઇમેજ, ખગોળશાસ્ત્ર, સમુદ્ર પ્રવાહોનો અભ્યાસ વગેરેનો પણ આધાર લેવા માંડ્યો હતો. જેનાથી સત્યની વધુ નજીક જવા મળ્યું.
અભ્યાસ અને કૃષિ સાથે સંબધ (ETV Bharat Reporter) - વારાહી સંહિતાના આધારે વરસાદની આગાહી :
દક્ષિણ ગોળાર્ધમાં તેમજ દક્ષિણ ભારતમાં જે સ્થિતિ પ્રવર્તે છે, તેની સમગ્ર દેશના વરસાદ પર ઘણી અસર હોય છે. અલ નિનો અને લા નિનો પ્રવાહની વિગતો માધ્યમોમાંથી મળી રહે છે. આ વિગતોને આધારે હું વરસાદ વગેરે ઋતુઓનો તાગ મેળવવાનો પ્રયાસ કરું છું.
અને છેલ્લી વાત... આમ હવામાન, મોસમ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રના અનેક પુસ્તકોનો અભ્યાસ બાદ આજે અંબાલાલ પટેલ વરસાદ આગાહીના પર્યાય બન્યા છે. પરંતુ કેટલીક વાર તેમની આગાહીઓ ખોટી પણ પડી હોવાનું તેમણે જાતે સ્વીકાર્યુ છે.
- હોલિકા દહનની સાથે જ ચોમાસાનો વરતારો, અંબાલાલ પટેલે કરી મોટી ભવિષ્યવાણી
- ઉત્તરાયણે કેવું રહેશે આકાશ અને કેવી રહેશે પવનની ગતિ ? માહિતી માટે જૂઓ વીડિયો