અમદાવાદઃ ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને બજારમાં પણ પતંગ ખરીદવા માટે ભીડ જામી રહી છે. સાથે જ ન્યુ ઇયર 2025 ની શરૂઆત થઈ રહી છે, એટલે અમદાવાદના કાલુપુરમાં એક વેપારીએ વિશાળકાય અને અદભુત ફીરકી બનાવી છે. વર્ષ 2025 નું સ્વાગત કરવા સાથે ઉત્તરાયણમાં 100 કિલો વજનની ફીરકી તૈયાર કરી છે. આ વેપારીનું નામ સલીમભાઈ છે. જે 25 વર્ષથી પતંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. એમની પાસે જુદી જુદી પ્રકારની અને એન્ટીક ફીરકીઓ છે. તો આવો ફીરકીઓની એક અદ્ભુત સફર પર, અને જાણીએ કે આ વેપારી કેમ આ પ્રકારની ફીરકી બનાવે છે.
અમદાવાદમાં રહેતા સલીમભાઈએ સાત ફૂટની લાકડાની અને સ્ટીલની એક ફીરકી બનાવી છે. જેનું વજન 15 કિલો ગ્રામ છે. જે ગ્રાહકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. આની સાથે જ તેમની પાસે આઝાદીના સમયની દરેક ધર્મના પ્રતિક દર્શાવતી એક પિત્તળની ફીરકી પણ છે. આવી અવનવી ફીરકી બનાવનાર સલીમભાઈએ Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર દરેક ધર્મના લોકો ઉજવે છે. જેથી હું દર વર્ષે અવનવી ફીરકી બનાવવાનું પ્રયત્ન કરું છું. હું વર્ષોથી આ વ્યવસાયમાં સંકળાયેલો છું. મારી પાસે સાત ફૂટની બે ફીરકી છે. જેમાં એક લાકડાની ફીરકી છે. જે અંદાજિત 11 કિલો વજનની છે. જ્યારે બીજી સ્ટીલની ફીરકી છે, જેનું વજન 15 કિલો જેવું છે. તેને મેં જાતે જ બનાવી છે. લાકડાની સાત ફૂટની ફીરકી બનાવવામાં મને છ મહિના જેટલો સમય લાગ્યો હતો. કેમકે લાકડામાંથી બનાવતા વાર લાગે છે અને કેટલાક સમય ફીરકી બનાવતા સમયે લાકડામાં કોતરણી કરતી વખતે લાકડું ફાટી પણ જાય છે. એટલે અમુક સમયે ફીરકી બે મહિનામાં પણ તૈયાર થઈ જાય છે, તો ક્યારેક અમુક ફીરકી બનાવવામાં છ મહિના જેટલો સમય પણ લાગી જાય છે. હાલમાં તેની અંદર મેં લાઈટ ગોઠવી છે. આવી ફીરકી મારી પાસે ચાર છે જે મેં મારા હાથથી બનાવી છે.
દાદાની ભેટમાં છૂપાયેલી સર્વ ધર્મ સદ્ભાવના
તેમણે વધુ જણાવ્યું કે મારી પાસે પિત્તળની એક દરેક ધર્મના પ્રતીક દર્શાવતી ફીરકી છે. જે મને મારા દાદાએ ભેટ સ્વરૂપે આપી હતી. હાલમાં ફીરકી સાચવીને મેં રાખી છે. આ ફીરકીમાં દરેક ધર્મના પ્રતીક જોવા મળે છે. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી ધર્મના પ્રતિક જોવા મળી આવે છે. હું માનું છું કે, આ ફીરકી કદાચ આઝાદી બાદની પ્રથમ ઉતરાયણની ફીરકી હોઈ શકે છે.