અમદાવાદઃ 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં મતદાન થવાનું છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ શાંતિ અને સુચારુ રીતે મતદાન થાય તેવા પ્રયત્નોમાં લાગેલ છે. મતદાનના એક દિવસ અગાઉ આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યની 10થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીમાં પણ મતદાન અગાઉ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી જેવી જ ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં થયું છે.
ધમકીભર્યા ઈમેલઃ અમદાવાદ શહેરની 12 અને ગ્રામ્યની 4 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સ્કૂલને બોમ્બની ધમકી ઈમેલથી આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે ગંભીરતા દાખવીને કાર્યવાહી શરુ કરી દીધી છે.
પોલીસ કાર્યવાહીઃ અમદાવાદ પોલીસે ઘમકીભર્યા મેઈલ મળેલ સ્કુલનું બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે સ્કૂલમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક ચીજ વસ્તુ મળી આવેલ નથી. સ્કૂલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની વિવિઘ ટીમો ટેકનિકલ ઈન્વેસ્ટીગેશન કરી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજો અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવુ, શાંતિ જાળવી રાખી સાવધ રહેવું.
ડીજીપી વિકાસ સહાયનું નિવેદન: આ મામલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય જણાવ્યું હતું કે આજે સવારથી અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બોમ્બના થ્રેટનો મેલ મળ્યો હતો. આપણે જાણીએ છીએ કે આ જ પ્રકારનો એક થ્રેટ મેલ થોડા દિવસ પહેલા દિલ્હીમાં પણ મળ્યો હતો. 15, 20 દિવસ પહેલા પણ કોઈ મોલ અને ધાર્મિક સ્થળ પર પણ આવા પ્રકારનો એક મેલ મળ્યો હતો. હું અમદાવાદી અને ગુજરાતની તમામ જનતાને આશ્વાસન આપું છું કે આજે સવારે જે મેલ મળ્યો તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. બીડીટીએસની ટીમ, એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડની ટીમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી છે. અલગ અલગ નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી છે. તમામ સ્કૂલ પર યોગ્ય સંખ્યામાં પોલીસ મોકલીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈપણ જગ્યાએ કોઈ પણ વસ્તુ મળી આવી નથી. નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
અમદાવાદ શહેરની 12 અને ગ્રામ્યની 4 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. પોલીસે તપાસ કરતા રસિયન ડોમેન પરથી આ ઈમેલ આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરુ કરી દીધી છે. સ્કુલનું બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્કૂલો પૈકી 11 સ્કૂલોમાં આવતીકાલે મતદાન થવાનું છે...શરદ સિંગલ(જેસીપી, અમદાવાદ)