ગુજરાત

gujarat

ETV Bharat / state

"પરિવાર તેને ભેટીને રડી પડ્યો": અમદાવાદ પોલીસે કર્યું કાંઈક એવું કે દિલ જીતી લીધા - AHMEDABAD POLICE SAVED FAMILY

અમદાવાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં ના માત્ર યુવક પણ તેના પરિવારને પણ વિખેરાતો બચાવ્યો

અમદાવાદ પોલીસે કરી મદદ
અમદાવાદ પોલીસે કરી મદદ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 6:56 PM IST

Updated : Jan 16, 2025, 8:20 PM IST

ઉર્વીશ પટેલ.અમદાવાદઃપોલીસ શબ્દથી જ ઘણા લોકો એક કઠોર અને અવિવેકી ચહેરાની કલ્પના કરી લેતા હોય છે. જોકે ખાખી વર્દીની પાછળના માનવીય હૃદયની વખતો વખત એવી ઘણી ઘટનાઓ સાક્ષી બની છે જેને લઈને પોલીસની વર્દી પર લોકો સલામી આપવા હાથ ઊંચા કરી લે છે. પૂર હોય કે કોરોના કે પછી કોઈ સામાન્ય વૃદ્ધ, જરૂરિયાતમંદ કે અસક્ષમ વ્યક્તિની તાકાત બનીને સામે આવ્યા હોય તેવા પણ ઘણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ છે જેમણે આજે પણ ખાખીની શોભા અકબંધ રાખી છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. જેને લઈને પોલીસે ઘણા લોકોના દિલ જીતી લીધા છે. ઘટના એટલી ચર્ચાસ્પદ કે ચકચારી પણ નથી પણ છતા ઘટના જાણીને તમને પોલીસની ખાખીનો રંગ જરૂર વ્હાલો લાગશે.

અમદાવાદ પોલીસે આવું જ કાંઈક કામ કર્યું છે, જેમાં અમદાવાદ પોલીસે એક યુવાનનો જીવ બચાવ્યો કે જે આપઘાત કરવા માગતો હતો. પરિવાર આખો તેને ભેટીને રડી પડ્યો. પોલીસનો પહેલીવાર માનવીય ચહેરો જોનાર આ પરિવારના આંસુ સતત પોલીસનો આભાર માની રહ્યા હતા.

ઘટના કાંઈક એવી બની કે, ગત તા. 10.01.2025 એ ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અજય નામનો 20 વર્ષનો યુવક અમદાવાદ મોબાઈલના ટાવર ઉપર ચડી જતા, પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે કોઈએ જાણ કરતા, ઈસનપુર પોલીસ સ્ટેશનના મોબાઈલ વાનના હે.કો. ચંદ્રસિંહ, પો.કો. હિતેશભાઈ તથા હોમગાર્ડ જવાન ગુલાબસિંહ તાત્કાલિક મોબાઈલ ટાવર પાસે પહોંચી ગયા હતા.

અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, ઈસનપુર પીએસઆઈ આઈ.એસ. પઠાણ તથા સ્ટાફનાં હે.કો. ચંદ્રસિંહ, પો.કો. હિતેશભાઈ તથા હોમગાર્ડ જવાન ગુલાબસિંહ દ્વારા તાત્કાલીક ફાયરબ્રિગેડને પણ જાણ કરી, બોલાવવા તજવીજ કરવામાં આવી હતી અને મહા મુસીબતે સમજાવી, અજયને નીચે ઉતારી, તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે લાવી, પૂછપરછ કરતા, અજય નાયક ભાંગી પડ્યો હતો. તેણે પોલીસને કહ્યું કે પોતે પરણિત છે અને પોતાને નાની બેબી છે, પોતાને 20 દિવસથી કામ નહીં મળતું હોવાથી, ભરણ પોષણ થઈ શકતું ન્હોતું. પોતાની દીકરી માટે એક પિતા કોળિયો ના ઊભો કરી શકે તો તે પિતાની સ્થિતિ એક પિતા જ સમજી શકે. જોકે અહીં અજયે એક ખોટું પગલું ભરવાનું નક્કી કર્યું. જે પગલું ક્યારેય નિરાકરણ ન્હોતું. તેણે આત્મહત્યાનો વિચાર કરી, ટાવર ઉપર ચડી, ત્યાંથી કૂદીને આત્મહત્યા કરવાનો હતો. પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે તેને સમજાવ્યો કે તેના પરિવાર માટે જે મુશ્કેલી છે તેનો અંત તેના મરવાથી તો આવવાનો નથી. તે જીવશે અને મુશ્કેલીઓ સામે જીતશે ત્યારે કોઈક સમાધાન મળશે.

મોબાઈલ ટાવર ઉપરથી ઉતારેલા અજયનો જીવ બચાવવા સાથે તે ભવિષ્યમાં પોતાને કોઈ હાની ના કરે, એ માટે ભારતીય નાગરિક સુરક્ષા સહિતાના કાયદા અન્વયે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ઈસનપુર પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી અને સમયસર પહોંચવા અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ કરવામાં આવેલ ના હોત તો, કદાચ એક પરિવારનો મોભી આ દુનિયામાં ના હોત, તે દીકરીનો પિતા કદાચ આ દુનિયામાં ના હોત અને તે પછી આ પરિવાર જે રીતે વેરવિખેર થવાની સંભાવનાઓ હતી તે બધું જ પોલીસની એક કાર્યવાહીથી અટક્યું હતું. આમ, ઈસનપુર પોલીસની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે એક આશાસ્પદ યુવાન અજયની જ નહીં પણ આખા પરિવારની જિંદગી બચી હતી.

'પરિવાર ભેટીને રડી પડ્યો'

અમદાવાદ જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોઈ, બીજા દિવસે મોબાઈલ ટાવર ઉપર આત્મહત્યા કરવા ચડી ગયેલો અને આર્થિક સંકડામણ અનુભવતા યુવાનને બોલાવી, યુવાનને જયહિન્દ સેવા સંસ્થાના મોન્ટુભાઈ શાહ સાથે વાતચીત કરાવી હતી. ઈસનપુર પીએસઆઈ આઇ.એસ.પઠાણ દ્વારા એક માસના કરિયાણાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા યુવાનને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોવા અને સામાન્ય પ્રશ્નના કારણે આત્મહત્યા કરવી એ સોલ્યુશન નહીં હોવાની શીખ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિવારજનોને બોલાવી, યુવકનો કબ્જો સોંપવામાં આવતા, પરિવારજનો યુવાનને ભેટીને રડવા લાગ્યા અને ઈસનપુર ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા. તેમના દરેક આંસુમાં પોલીસ સામેનો ભારોભાર આભાર હતો. પોલીસ માટે આનાથી વધુ કોઈ મોટો એવોર્ડ જાણે હતો જ નહીં તે રીતે પોલીસે પણ તેમને સુખી સંસાર માંડવાના આશીર્વાદ આપ્યા હતા. ઈસનપુર પોલીસ દ્વારા પણ પોતાના સ્વજનોનું ધ્યાન રાખવા, પરિવારજનોને વિનંતી કરવામાં આવી હતી. યુવાનના પરિવારજનોને પણ પોલીસનો અનોખો અનુભવ થતાં, પોલીસ આવી પણ હોય છે...!!! એવો ભાવ વ્યક્ત કરી, યુવાન અજય તથા તેનાપરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

એસીપી જાડેજાએ આ અંગે એવું પણ કહ્યું કે, અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા મોબાઈલ ટાવર ઉપર ચઢી ગયેલા વ્યક્તિનો જીવ બચાવી, રાશનની વ્યવસ્થા કરી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવ્યું છે.

Last Updated : Jan 16, 2025, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details