સુરત(માંગરોળ):સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવેનું સંચાલન કરતી NHAI વિભાગની કામગીરીથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. અવાર નવાર હાઇવે પર કોઈપણ પ્રકારના આયોજન વગર હાથ ધરી દેવામાં આવતી કામગીરીને ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે વધુ એકવાર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઇવે પર કીમ નદીના ઓવરબ્રિજ પર NHAI વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ: એનએટએઆઈની કામગીરીમાં બ્રીજની એક લાઈન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. નેશનલ હાઇવે 48 પર છેલ્લા 10-12 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે, જેને લઈને વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઇવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યા છે. અને પોતાનો સમય વેડફાટ ન થાય તે માટે ગ્રામીણ રસ્તાઓ પરથી સુરત બાજુ જઈ રહ્યા છે.