અમદાવાદ:ઉત્તરાયણના પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બજારમાં પતંગ-દોરીના સ્ટોલ ગોઠવાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરાય છે અને જ્યાં સૌથી સસ્તી પતંગ મળે ત્યાં લોકો પતંગ ખરીદવામાં વધારે રસ રાખે છે. તો અમદાવાદના જાણીતું પતંગ બજાર એટલે દિલ્હી દરવાજા પતંગ બજાર, જ્યાં 1 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની પતંગ મળે છે. અહીંયા પતંગનું હોલસેલ માર્કેટ છે. આ બજારમાં એક કોડી પતંગ ₹80થી લઈને ₹250 સુધીમાં વેચાય છે. લોકો પણ ખૂબ જ ઉત્સાહથી અહીંયા પતંગ ખરીદવા માટે દરવર્ષે આવતા હોય છે. તો જાણો આ વર્ષે દિલ્હી દરવાજાના પતંગ બજારમાં પતંગના શું ભાવ છે અને કઈ નવી વેરાઈટીની પતંગ બજારમાં મળી રહી છે.
પતંગ બજારમાં નવી કઈ-કઈ પતંગો?
દિલ્હી દરવાજામાં આવેલા પતંગ માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે, દિલ્હી દરવાજામાં લગભગ 28 પતંગની દુકાન છે. અહીંયા સિઝનેબલ બજાર ભરાય છે. અહીંયા પતંગની સાથે ફીરકી અને ફટાકડા પણ વર્ષોથી વેચવામાં આવે છે. જેને ખરીદવા માટે સમગ્ર ગુજરાતી લોકો દોડી આવે છે. અમારી પાસે ખંભાતી પતંગ, રામપુરી પતંગ, નોવેલ્ટી પતંગ, રોકેટ પતંગ, ઝાલર પતંગ, ચાંદ-તારા, ચીલ પતંગ, આંખે દાર પતંગ અને તમામ પ્રકારની પતંગો વેચવામાં આવે છે.
એક કોડી પતંગ કેટલામાં મળી રહી છે?
તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ પતંગો ગયા વર્ષ કરતા મોંઘી થઈ ગઈ છે. અહીંયા 80 રૂપિયાની કોડી પતંગની કિંમત શરૂ થાય છે અને 250 રૂપિયા સુધી કોડીની પતંગ મળે છે. એક પતંગની કિંમત 3 કે 4 રૂપિયાથી શરૂ થાય છે. સફેદ સાદી પતંગ ચાર રૂપિયાની છે, રોકેટ પતંગ ₹100ની કોડી, ચાંદ-તારા પતંગ પણ 100 રૂપિયાની કોડી છે અને એક પતંગ 5 રૂપિયામાં મળે છે. ફેન્સી પતંગનો ભાવ પણ 150 રૂપિયા કોડીથી માંડીને 250 રૂપિયા સુધીનો છે. આ વર્ષે ખંભાતી પતંગની એક નવી વેરાઈટી આવી છે, જેને પંજા પતંગ કહેવામાં આવે છે. આ પંજા પતંગ 120 રૂપિયામાં પાંચ પતંગ મળશે. છત્રી પતંગ પણ ખૂબ જ મસ્ત આવી છે, જે 200 રૂપિયામાં 15 પતંગ મળશે. અને ઝાલરવાળી રોકેટ પતંગ પણ લોકો ખૂબ ખરીદી રહ્યા છે જેની પ્રાઇસ 180 રૂપિયા પાંચ પતંગ છે.