ગુજરાત

gujarat

ETV Bharat / state

ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોળિયા સાબરમતી જેલ ભેગા, કોર્ટે જામીન અરજી ફગાવી - KHYATI HOSPITAL SCANDAL

ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોળિયાના ગુરૂવારે રિમાન્ડ પૂર્ણ થતા તેમને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

ડૉ.સંજય પટોળિયા સાબરમતી જેલ ભેગા
ડૉ.સંજય પટોળિયા સાબરમતી જેલ ભેગા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2024, 10:51 PM IST

અમદાવાદ:બહુચર્ચીત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને ગત સપ્તાહે ઝડપાયેલા આરોપીઓમાંથી એક ડોક્ટર સંજય પટોળિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી આરોપી ડોક્ટર સંજય પટોળિયા દ્વારા આગોતરા જામીનની અરજી અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી હતી.

ડૉ.સંજય પટોળિયાની જામીન અરજીમાં ઉલ્લેખ: આ જામીન અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે "હું નિર્દોષ છું અને તમામ પ્રકારની પોલીસ તપાસમાં હું સહકાર આપીશ." પરંતુ તેમના વિરૂદ્ધ ઉપયોગ કરવામાં આવેલી આપણા આપરાધિક કલમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમની સંજય પટોળિયાની અરજીને ના મંજૂર કરવામાં આવી હતી.

ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોળિયાને કસ્ટડીમાં મોકલાયા (Etv Bharat Gujarat)

સાબરમતી જેલમાં રહેશે ડૉ.પટોળિયા

ગત બુધવારે ડૉ.સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળિયાને 12 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી, પરંતુ સંજય પટોળિયા દસ દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી. આજે ગુરૂવારે સાંજે 4 વાગ્યે સંજય પટોળિયાની રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ડિસ્ટ્રિક્ટ કોર્ટે સંજય પટોળિયાને જ્યુડિશિયલ કસ્ટડી માટે સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે. હવે ડૉ.સંજય પટોળિયાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

આરોપી ડૉ. સંજય પટોળિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલના સ્થાપક (Etv Bharat Gujarat)

કોણ છે ડૉ. સંજય પટોળિયા ?

આરોપી ડૉ. સંજય પટોળિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલના સ્થાપક છે. તેમના દ્વારા જ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી અને 2021માં નવા ભાગીદાર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપુતને પોતાની સાથે સામેલ કરીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી. ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટરોમાના એક છે. હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લઈને તમામ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવતા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં નવા વિભાગ શરૂ કરવા અને તેના માટે ડોક્ટર લાવવાની કામગીરી પણ તેમના દ્વારા જ કરવામાં આવતી હતી.

ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોળિયાને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં (Etv Bharat Gujarat)

શું હતો સમગ્ર મામલો

ગત 10મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામે મહાદેવ મંદિરમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં આવેલા લોકોમાંથી 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી કથિત 7 દર્દીઓને કોઈપણ સંમતિ વગર સ્ટેન્ટ લગાવી દેવામા આવ્યું હતું. જેમાંથી 45 વર્ષીય મહેશ બારોટ અને 59 વર્ષીય નાગરભાઈ સેન્મના નામના બે દર્દીઓના સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકો બાદ મૃત્યું થયુ હતું. આ બંને દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પ્રશાંત વઝીરાણીએ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ડૉ. વઝીરાણીનુ ખ્યાતિ હોસ્પિટલના પેનલ ડૉક્ટરમાં નામ જ નથી. તેમ છતાંય ડૉ. વઝીરાણી પાસે દર્દીઓની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કેમ કરાવવામાં આવી હતી. ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલના માલિક ડોક્ટર કાર્તિક પટેલ સહિત અન્ય ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ મામલે 14 નવેમ્બરના રોજ ઓપરેશન કરનાર મુખ્ય આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.

ડૉ. સંજ્ય પટોળિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા (Etv Bharat Gujarat)

અત્યાર સુધીમાં ઝડપાયા 7 આરોપી

  1. ડૉ. પ્રશાંત વજીરાણી
  2. ડૉ. ચિરાગ રાજપુત
  3. ડૉ. મિલિન્દ પટેલ
  4. ડૉ.રાહુલ જૈન
  5. ડૉ. પ્રતીક ભટ્ટ
  6. ડૉ. પંકિલ પટેલ
  7. ડૉ. સંજય પટોળિયા

વૉન્ટેડ આરોપીઓ

  1. ડૉ. રાજશ્રી કોઠારી
  2. ડૉ. કાર્તિક પટેલ (CEO)

કેવી રહી ડૉ. સંજય પટોળિયાની તબીબી કારકિર્દી

  • ડૉ. સંજય પટોળિયા 1999 થી 2002 સુધી રાજકોટમાં આવેલી પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા.
  • વર્ષ 2002 થી 2003 દરમિયાન આઠેક મહિના રાજકોટમાં આવેલી પદ્મ કુંબરબા હોસ્પિટલમાં ફુલ ટાઈમ સર્જન તરીકે કામ કર્યુ હતું.
  • વર્ષ 2003 થી 2006 દરમિયાન તેમણે રાજકોટમાં જ આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કર્યું હતું
  • વર્ષ 2006માં રાજકોટમાં સિટી હોસ્પિટલ નામથી ત્રણ ડોક્ટરોની ભાગીદારીમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જે હાલ ન્યુ લાઇફ હોસ્પિટલના નામથી કાર્યરત છે.
  • વર્ષ 2012માં અમદાવાદમાં ડૉ. મહેન્દ્ર નવરિયા અને ડૉ. મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં ગ્રુપ પ્રેક્ટિસમાં બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટીકસ કંપની શરૂ કરી જેનું ટ્રેડ નામ એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ રાખ્યું હતું.
  • વર્ષ 2012 થી 2014 તે અઠવાડિયામાં એક કે બે દિવસ એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ અમદાવાદ આવતા બાકી રાજકોટમાં પ્રેક્ટિસ કરતા હતા.
  • વર્ષ 2014 થી પૂર્ણકાલીન ડોક્ટર તરીકે એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
  • વર્ષ 2016 માં ડૉ. મનીષ ખેતાન અને 2021 માં ડૉ. મહેન્દ્ર નવરીયા છૂટા થયા હતા અને તેની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપુત તેમની સાથે જોડાયા હતા.
  • ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બેરિયાટ્રિક્સ વિભાગમાં પૂર્ણકાલીન ડોક્ટર તરીકે કાર્યરત છે અને તેમના પત્ની ડૉ. હેતલ પટોળિયા પણ ગાયનેક વિભાગમાં પૂર્ણકાલીન ડોક્ટર તરીકે કાર્યરત છે.
  • ડૉ. સંજય પટોળિયાનો ગુજરાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 39 ટકાનો ભાગ છે.
  1. ખ્યાતિકાંડ: આરોપી ડૉ. સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, રાજશ્રી કોઠારીના આગોતરા જામીન નામંજૂર
  2. ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોળિયાને કોર્ટમાં રજૂ કરાયો, ક્રાઈમબ્રાન્ચે માગ્યા 10 દિવસના રિમાન્ડ

ABOUT THE AUTHOR

...view details