ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પત્રકારની હત્યાનો અનડીટેક્ટ ગુનો ઉકેલાયો, જાણો સમગ્ર ઘટનાક્રમ... - Ahmedabad Journalist killed - AHMEDABAD JOURNALIST KILLED

તાજેતરમાં અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર દિનદહાડે એક પત્રકાર પર જીવલેણ હુમલો થયો હતો. બાદમાં સારવાર દરમિયાન પત્રકારનું મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જાણો સમગ્ર વિગત

અમદાવાદમાં પત્રકારની હત્યાનો અનડીટેક્ટ ગુનો ઉકેલાયો
અમદાવાદમાં પત્રકારની હત્યાનો અનડીટેક્ટ ગુનો ઉકેલાયો (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 7:21 PM IST

Updated : Jun 7, 2024, 7:27 PM IST

અમદાવાદમાં પત્રકારની હત્યા (Etv Bharat Gujarat)

અમદાવાદ : શહેરમાં દિનદહાડે પત્રકાર પર થયેલા હુમલો અને હત્યાનો મામલો આખરે ઉકેલાયો છે. ગત 1 જૂને પત્રકાર મનીષ શાહ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન પત્રકારનું મૃત્યુ થતા ચકચાર મચી હતી.

પત્રકાર પર જીવલેણ હુમલો : અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ભરત પટેલે જણાવ્યું કે, બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની ઝીણવટપૂર્વક તપાસ કરી મૃતકના રહેણાંક વિસ્તારના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક મનીષભાઈને આજુબાજુમાં રહેતા લોકો તથા અન્ય લોકો સાથે અણબનાવ હતા.

ચોંકાવનારો ખુલાસો :આ તપાસ દરમિયાન વટવા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય મહિપાલસિંહ ચંપાવતની પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી. જે અનુસાર મૃતકની પત્ની સાથે મહિપાલસિંહના ભાઈ યુવરાજને પ્રેમસંબંધ હતા. જેની મનીષભાઈને જાણ થતા વર્ષ 2021 માં મનીષભાઈની પત્નીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં યુવરાજસિંહની ધરપકડ થઈ હતી. બાદમાં તેને વટવા પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મુક્ત કર્યો હતો.

અંગત અદાવત બની જીવલેણ : જોકે બાદમાં મૃતક મનીષભાઈ તથા મહિપાલસિંહના પરિવાર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઉપરાંત મહિપાલસિંહ વિરુદ્ધ મૃતક મનીષભાઈએ ફરિયાદ પણ નોંધાવી આવી હતી. જેની અદાવત રાખી મહિપાલસિંહે અન્ય કોઈ વ્યક્તિને સોપારી આપી મનીષભાઈ પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું. મહિપાલસિંહે સાણંદમાં રહેતા તેના પરીચીત શક્તિસિંહ ચૌહાણને આ બાબતે વાત કરી હતી.

2 લાખની સોપારી આપી :શક્તિસિંહે નારણપુરામાં રહેતા 22 વર્ષીય આકાશ ઉર્ફે અક્કુ વાઘેલા સાથે મહિપાલસિંહની મુલાકાત કરાવી હતી. જેના થોડા દિવસ બાદ આકાશ ઉર્ફે અક્કુએ વાડજમાં રહેતા અનિકેત ઓડ અને સુરતમાં રહેતા વિકાસ ઉર્ફે વિકુ ઓડની મહિપાલસિંહ સાથે મુલાકાત કરાવી હતી. મહિપાલસિંહે આકાશ ઉર્ફે અક્કુને 2 લાખ રૂપિયાની સોપારી આપી હતી. ઉપરાંત મનીષભાઈનો ફોટો અને તેની ઓફિસ આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવ્યું હતું. આખરે મનીષભાઈના હાથપગ તોડાવવા તથા ડરાવવા માટે રૂ. 1.20 લાખમાં સોપારી નક્કી કરી હતી.

દિનદહાડે જીવલેણ હુમલો : ગત 1 જૂનના રોજ વ્યવસાયે પત્રકાર મનીષ શાહ ઓફિસ જઈ રહ્યા હતા. આ દરમિયાન 10:45 કલાકે રિવરફ્રન્ટ રોડના બાબા લવલવીની દરગાહની સામે રોડ પરથી પસાર થતા સમયે આ બનાવ બન્યો હતો. મહિપાલસિંહે આપેલી માહિતીના આધારે અનિકેત અને વિકાસે સ્કૂટર પર બેસીને મનીષભાઈનો પીછો કર્યો હતો. આરોપીઓએ મૃતકને ઈશારો કરી મોટર સાઇકલ થોભવ્યું હતું.

સારવાર દરમિયાન મૃત્યુ : બાદમાં બંને શખ્સોએ મનીષભાઈના જમણા ઢીંચણના ઉપરના ભાગે તથા ડાબા પગના ઢીચણના ભાગે છરીના ઘા માર્યા હતા. ઉપરાંત હુમલાવરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ મનીષભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભોગ બનનારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે ગત 4 જૂનના રોજ મનીષભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

4 આરોપી ઝડપાયા :પોલીસે આ મામલે ચાર શખ્સની અટક કરી છે. જેમાં 27 વર્ષીય મહિપાલસિંહ ચંપાવત, 22 વર્ષીય આકાશ ઉર્ફે અક્કુ વાઘેલા, 20 વર્ષીય અનિકેત ઓડ અને 23 વર્ષીય વિકાસ ઉર્ફે વિકુ ઓડનો સમાવેશ થાય છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં મહિપાલસિંહ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન, આકાશ ઉર્ફે અક્કુ વિરુદ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન, અનિકેત વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશન અને વિકાસ ઉર્ફે વિકુ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશન અને સુરત અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

  1. પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું...આડા સબંધની આડમાં થઈ ધાતકી હત્યા
  2. નવસારીના વેસ્મા નજીક સર્જાયો અકસ્માત, વ્યક્તિનું ધટના સ્થળે જ મોત - Navsari Incident
Last Updated : Jun 7, 2024, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details