અમદાવાદ :હાલમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં એક વ્યક્તિ તાંત્રિક વિધિ કરતા જોવા મળ્યો છે. આ વિડીયો ખુદને ભૂવા તરીકે ઓળખાવતા મુકેશ નામના વ્યક્તિ દ્વારા જ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલ સિક્યુરિટી સામે પ્રશ્નો ઉભા થયા છે.
અમદાવાદ સિવિલમાં ભુવાના ખેલ :હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળે છે. આવો જ એક કિસ્સો સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં સ્થિત એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. અહીં ICU વોર્ડમાં દાખલ વ્યક્તિ પર એક ભુવા દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. સાથે તેનો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ થતાં હોસ્પિટલ તંત્ર સામે પ્રશ્નો ઉભા થયા છે.
ICU વોર્ડમાં કેવી રીતે પહોંચ્યા ભુવા ?આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મને પણ આ વિડિયો મીડિયા મિત્ર પાસેથી મળ્યો છે. આ વ્યક્તિ સાદા કપડામાં જાણે દર્દીના સગા હોય તે રીતે ટ્રોમા વાળા ગેટથી અંદર જતો જોવા મળે છે. ભુવાજીએ સારવાર કરી હોય તેવી વાત સામે આવે છે, પરંતુ તે સાવ ખોટું છે. સમગ્ર બાબત અંધશ્રદ્ધા ફેલાવવાની દેખાય છે.
સિવિલ સુપ્રીડેન્ટ દ્વારા તપાસના આદેશ :વધુમાં સિવિલ સુપ્રીડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, દર્દીના સગા સાથે ઉપર પહોંચેલ છે. બાકી સિક્યુરિટી ખૂબ જ સજાગ છે. છેલ્લા 15-20 દિવસમાં આવો કોઈ દર્દી આવ્યો નથી. પરંતુ હાલમાં તપાસ ચાલુ છે. તમામ CCTV ચેક કરવામાં આવી રહ્યા છે.